કચ્છમાં હવે ઓનલાઈન એડમિશન અભિયાનનો શંખનાદ: એકપણ બાળક પ્રવેશથી વંચિત ન રહે તે માટે શિક્ષણ તંત્ર મેદાને
કચ્છ, 02 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના સો ટકા પ્રવેશને કેન્દ્રસ્થાને રાખીને વિશાળ સ્તરે ‘પ્રિ એનરોલમેન્ટ અભિયાન’ને ગતિ આપી છે. બાલવાટિકાથી ધોરણ ૧, ધોરણ ૫થી ધોરણ ૬, ધોરણ ૮થી ધોરણ ૯ અને ધોરણ
ઓનલાઈન પ્રવેશ સેમિનાર


ઓનલાઈન પ્રવેશ seminar


કચ્છ, 02 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના સો ટકા પ્રવેશને કેન્દ્રસ્થાને રાખીને વિશાળ સ્તરે ‘પ્રિ એનરોલમેન્ટ અભિયાન’ને ગતિ આપી છે. બાલવાટિકાથી ધોરણ ૧, ધોરણ ૫થી ધોરણ ૬, ધોરણ ૮થી ધોરણ ૯ અને ધોરણ ૧૦થી ધોરણ ૧૧માં જનાર દરેક બાળક સમયસર શાળામાં દાખલ થાય અને કોઈપણ વિદ્યાર્થી અભ્યાસમાર્ગમાંથી છૂટી ન જાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા હવે વધુ સક્રિય, ટેક્નોલોજી આધારિત અને જવાબદારીસભર કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી હાથથી થતી પ્રવેશ પ્રક્રિયાને આ વખતે સંપૂર્ણપણે ઓનલાઈન બનાવતાં વાલીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વચ્ચે સીધી અને પારદર્શક કડી ઉભી કરવામાં આવી છે.

નવી વ્યવસ્થા મુજબ ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ મારફતે પ્રાથમિક શાળાઓ પોતાના અંતિમ ધોરણમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની માહિતી ડિજિટલ રીતે અપડેટ કરશે. વાલીઓની સંમતિ મેળવ્યા બાદ સંબંધિત બાળકને નજીકની યોગ્ય માધ્યમિક શાળામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્યારબાદ તે માધ્યમિક શાળાના આચાર્ય પોતાના લોગિન પરથી વિદ્યાર્થીનો પ્રવેશ સ્વીકારી શકશે. આ વ્યવસ્થાથી પ્રવેશ પ્રક્રિયામાં સમય બચશે, દસ્તાવેજી ગૂંચવણ ઓછી થશે અને સૌથી મહત્વની બાબત એ કે શાળા છોડનારા બાળકો પર સીધી નજર રાખી શકાશે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં શિક્ષણ વિભાગે આ અભિયાનને માત્ર કાગળ પર ન રાખતાં વાસ્તવિક મેદાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી અને રાપર સહિતના તાલુકાઓમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ, આચાર્યો, બી.આર.સી.-સી.આર.સી. કો-ઓર્ડિનેટરો અને શિક્ષણ નિરીક્ષકોની વિશેષ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં ખાસ ભાર એ મુદ્દા પર મૂકાયો કે જિલ્લાનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દરેક વાલી સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચે અને શિક્ષકો વ્યક્તિગત સંપર્કથી પણ વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં પ્રવેશ અપાવે.

જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે માત્ર નોટિસ કે જાહેરખબરથી કામ ચાલવાનું નથી, પરંતુ શાળાઓએ ઘરઘર સુધી પહોંચવું પડશે. વાલી મંડળ, ગ્રામ્ય સ્તરના પ્રચાર, વ્યક્તિગત ફોન કોલ, મેસેજિંગ તેમજ સ્થાનિક સ્તરે જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને સમજાવવું જરૂરી છે કે શિક્ષણમાં એક વર્ષની ખોટ બાળકના ભવિષ્ય પર ભારે પડી શકે છે. સરકાર દ્વારા મફત પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ, સાયકલ સહાય, કન્યાઓ માટે વિશેષ પ્રોત્સાહન, હોસ્ટેલ અને અન્ય શૈક્ષણિક સહાય જેવી યોજનાઓ ઉપલબ્ધ છે, તેની પૂરતી માહિતી આપીને વાલીઓને શાળાપ્રવેશ માટે પ્રેરિત કરવા સૂચના અપાઈ છે.

ખાસ કરીને ધોરણ ૮ બાદ કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડતા હોય છે તે ચિંતાજનક વલણ સામે શિક્ષણ વિભાગે વિકલ્પરૂપ માર્ગો પણ ખુલ્લા રાખ્યા છે. ધોરણ ૯માં નિયમિત શાળામાં પ્રવેશ લેવા ઇચ્છા ન ધરાવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનો વિકલ્પ સમજાવવામાં આવ્યો છે, જ્યાંથી તેઓ ઘરે અભ્યાસ કરીને સીધી પરીક્ષા આપી શકે છે. આ ઉપરાંત કારકિર્દી આધારિત અભ્યાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ બાળક અભ્યાસ અને કૌશલ્ય વિકાસ બંનેમાંથી બહાર ન રહી જાય.

પ્રવેશ અભિયાનને કડક રીતે અમલમાં મુકવા જિલ્લા શિક્ષણાધિકારીએ જાતે અનેક શાળાઓની મુલાકાત શરૂ કરી દીધી છે. માંડવી વિસ્તારની નવ શાળાઓ ઉપરાંત ભુજ, અંજાર અને મુન્દ્રા તાલુકાની એક ડઝનથી વધુ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પહોંચી તેમણે આચાર્યો અને શિક્ષકો સાથે સીધી ચર્ચા કરી હતી. દરેક શાળાને પોતાના ફીડર વિસ્તારની યાદી બનાવી નજીકના ગામોમાં જઈ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનો ટ્રેક રાખવા અને જરૂર પડે ત્યાં વાલીઓ સાથે વ્યક્તિગત સંવાદ સાધવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ પણ પ્રાથમિક સ્તરે એકપણ બાળક બાલવાટિકા કે ધોરણ ૧ના પ્રવેશથી વંચિત ન રહે તે માટે સઘન અનુસરણનો નિર્દેશ આપ્યો છે.

બેઠકો દરમિયાન ઓનલાઈન સિસ્ટમની ટેક્નિકલ સમજ માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, ઓફલાઈનથી ઓનલાઈન પ્રક્રિયામાં આવેલા ફેરફારો, ડેટા એન્ટ્રી, વિદ્યાર્થી ટ્રાન્સફર, રીસીવિંગ અને મોનીટરીંગ અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. વિવિધ તાલુકાના શિક્ષણ નિરીક્ષકો અને સંકલનકર્તાઓએ શાળા સંચાલન, દસ્તાવેજ ચકાસણી, પ્રવેશ અનુસરણ અને ડ્રોપઆઉટ કેસમાં તાત્કાલિક કાર્યવાહી જેવા મુદ્દાઓ પર શિક્ષકોને સજ્જ બનાવ્યા હતા.

કચ્છમાં આ વર્ષે શિક્ષણ વિભાગનું સૂત્ર સ્પષ્ટ છે—‘શાળા તૈયાર, સિસ્ટમ તૈયાર, હવે દરેક બાળકનો પ્રવેશ અનિવાર્ય’. ટેક્નોલોજીના સહારે શરૂ કરાયેલા આ અભિયાનથી જિલ્લાનો શૈક્ષણિક પ્રવેશદર વધશે અને શાળા છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande