
કચ્છ, 02 મે (હિ.સ.) : અંજાર શહેર વિસ્તારમાંથી ચોરી કરાયેલ એક્સેસ વાહન સાથે બે શાતિર આરોપીઓને ઝડપી પાડી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કરતાં કાયદો અને વ્યવસ્થાની દિશામાં વધુ એક સફળતા મેળવી છે. મિલ્કત સંબંધિત ગુનાઓ અને ખાસ કરીને વાહનચોરીની વધતી ઘટનાઓને અટકાવવા માટે સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર દ્વારા તમામ પોલીસ મથકોને સતર્ક રહી અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ અંજાર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. ભાટીયાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીદારોનું જાળું સક્રિય રાખવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.વી. ગોજીયાના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન સોર્સ મારફતે મહત્વપૂર્ણ ખાનગી બાતમી મળી હતી કે અંજાર શહેરમાં નાયરા પેટ્રોલપંપ પાસે ખડિયા તળાવ વિસ્તારેથી ચોરી કરાયેલ એક્સેસ વાહન બે શખ્સો લઈ ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સચોટ વોચ ગોઠવી શંકાસ્પદ બંને ઇસમોને ઘેરી પાડી ઝડપી લીધા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને તપાસ આગળ વધારતાં તેમની પાસેથી ચોરી કરાયેલ એક્સેસ વાહન તેમજ બે શંકાસ્પદ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કબ્જે કરાયેલ વાહનનો રજીસ્ટ્રેશન નંબર ચકાસતા તે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના વણશોધાયેલા ગુનાથી સંકળાયેલ હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે જ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળનો ગુનો સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષીય પ્રકાશ ભગવાનભાઈ સલાટ તથા જુના વાડજ વિસ્તારનો ૩૩ વર્ષીય હરેશ વાલાભાઈ સલાટનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેમના ગુનાહિત ઇતિહાસની પણ ચકાસણી શરૂ કરી છે. ઉપરાંત તેમની પાસેથી મળેલા બે મોબાઇલ ફોનની પણ તપાસ હાથ ધરાઈ છે જેથી અન્ય કોઈ ગુનાઓ સાથે તેમનો સંબંધ છે કે કેમ તે જાણી શકાય.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજિત રૂ. ૩૦ હજારની કિંમતનું ચોરાયેલું એક્સેસ વાહન તથા રૂ. ૧૦ હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૬ અને ૩૫(૧)(ઈ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની આ ઝડપી અને સતર્ક કામગીરીને કારણે અંજાર શહેરમાં નોંધાયેલ વાહનચોરીનો ગુનો ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. પોલીસ હવે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને તેઓએ અન્ય વિસ્તારોમાં પણ આવી ચોરીઓ આચરી છે કે નહીં તેની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ આગળ ધપાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar