નખત્રાણામાં કેબલ ચોરીનો ભાંડાફોડ : બળેલા કોપર વાયર સાથે ત્રણ શખ્સ ઝડપાયા
- વાહન સહિત રૂ. ૫૧ હજારનો મુદ્દામાલ જપ્ત. કચ્છ, 02 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં લાંબા સમયથી વણ-શોધાયેલા કેબલ ચોરીના ગુનાનો આખરે પોલીસએ પર્દાફાશ કર્યો છે. સર્વેલન્સ અને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નખત્રાણા પોલીસે
નખત્રાણા કેબલ ચોરી કેસનો આરોપી


- વાહન સહિત રૂ. ૫૧ હજારનો મુદ્દામાલ જપ્ત.

કચ્છ, 02 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં લાંબા સમયથી વણ-શોધાયેલા કેબલ ચોરીના ગુનાનો આખરે પોલીસએ પર્દાફાશ કર્યો છે. સર્વેલન્સ અને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નખત્રાણા પોલીસે જડોદર-કોટડા માર્ગ પરથી સફેદ ટાટા મદનિયા વાહનમાં આધાર-પુરાવા વિના લઈ જવામાં આવતા બળેલા કોપર વાયરના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડતા સમગ્ર કેબલ ચોરીના રેકેટનો ભાંડો ફૂટ્યો છે. પોલીસએ આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા બળેલા કોપર વાયર અને વાહન સહિત કુલ રૂ. ૫૧,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોર્ડર રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મનીષા દેસાઈના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ ચીજવસ્તુઓની હેરફેર અને મિલ્કત સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા માટે સઘન પેટ્રોલિંગ અને ગુપ્ત નજર રાખવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સદરબીટ વિસ્તારમાં ચેકિંગમાં હતો ત્યારે ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી કે જડોદર તરફથી એક ટાટા મદનિયા વાહનમાં બળેલા કોપરના વાયરના ફીંડલા ભરીને કોઈ પુરાવા વિના લઈ જવાઈ રહ્યા છે.

માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક જડોદરથી કોટડા (જ.) તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી વાહનને અટકાવ્યું હતું. વાહનચાલક અને સાથેના શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પોલીસે વાહનની તલાશી લેતા અંદરથી બળેલા કોપર વાયરના કુલ ૩૬ કિલોગ્રામ જેટલા ફીંડલા મળી આવ્યા હતા. આ મુદ્દામાલ અંગે ખરીદી કે માલિકીના કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શકતા પોલીસએ કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય શખ્સોએ જડોદર ગામની એક વાડીમાંથી આ વાયર ચોરી કર્યા હોવાની કબૂલાત આપતાં વણ-શોધાયેલ કેબલ ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો હતો.

આ કામગીરી દરમિયાન પોલીસે સુલતાન ઇસ્માઇલ નોડે, અલ્તાફ દાઉદ મંધરા અને ઇમરાન દાઉદ કુંભાર, ત્રણેય રહે. જડોદર તા. નખત્રાણા, ને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ. ૨૧,૬૦૦ કિંમતના બળેલા કોપર વાયરના ફીંડલા તથા રૂ. ૩૦,૦૦૦ કિંમતનું ટાટા મદનિયા વાહન નંબર GJ-12-BV-6725 મળી કુલ રૂ. ૫૧,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાંના સુલતાન ઇસ્માઇલ નોડે અને અલ્તાફ દાઉદ મંધરા સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે, જેથી બંનેનો ગુનાહિત ભૂતકાળ હોવાની પણ વિગતો બહાર આવી છે. હાલ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ ગુનો નંબર ૧૧૨૦૫૦૩૫૨૬૦૪૭૦/૨૦૨૬ તરીકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨), ૩૨૯(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધાઈ આગળની તપાસ એ.એસ.આઇ. વિજયભાઈ એ. રાવલ ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાડી, ફાર્મહાઉસ અને બિનવસાહતી સ્થળોએ પડેલા વીજ કેબલ, કોપર વાયર અને મશીનરીના ભાગોની ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવા સમયે નખત્રાણા પોલીસ દ્વારા ઝડપી અને સૂઝબૂઝભરી કામગીરી કરીને માત્ર વણ-શોધાયેલ ગુનો જ શોધી કાઢ્યો નથી, પરંતુ ચોરીના માલના ગેરકાયદેસર વેપાર તરફ પણ મહત્વની કડી મેળવી છે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એ.એસ.આઇ. જયંતીભાઈ માજીરાણા, સબીરઅલી બાયડ, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી અને મીતકુમાર પટેલ સહિતના પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande