કચ્છના કાઠડા ગામે ટીટોડીના જમીન પર ઈંડા, માંડવી પંથકમાં મધ્યમ ચોમાસાની ચર્ચા તેજ
કચ્છ, 02 મે (હિ.સ.) : કચ્છમાં ચોમાસું કેવું જશે તે જાણવા માટે આજના આધુનિક યુગમાં હવામાન વિભાગની આગાહીઓ પર સૌની નજર રહેતી હોય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે કચ્છના ખેડૂતો કુદરતના સંકેતોને જ સાચા માર્ગદર્શક માનીને ખેતીની યોજના ઘડતા હતા. પક્ષીઓની હિલ
કાઠડા ગામમાં ઈંડા મૂકતી ટીટોડી


કાઠડા ગામમાં ઈંડા મૂકતી ટીટોડી


કચ્છ, 02 મે (હિ.સ.) : કચ્છમાં ચોમાસું કેવું જશે તે જાણવા માટે આજના આધુનિક યુગમાં હવામાન વિભાગની આગાહીઓ પર સૌની નજર રહેતી હોય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે કચ્છના ખેડૂતો કુદરતના સંકેતોને જ સાચા માર્ગદર્શક માનીને ખેતીની યોજના ઘડતા હતા. પક્ષીઓની હિલચાલ, પવનની દિશા, વાદળોની રચના અને ખાસ કરીને ટીટોડી નામના પક્ષીના વર્તન પરથી વરસાદનું અનુમાન લગાવવાની પરંપરા વર્ષોથી જીવંત રહી છે. હવે માંડવી તાલુકાના કાઠડા ગામમાંથી આવી જ એક ઘટના સામે આવતા ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાને લઈ નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

માંડવી તાલુકાના કાઠડા ગામે ખેતર વિસ્તારમાં માદા ટીટોડીએ પોતાના ઈંડા સીધા જમીન પર મૂક્યા હોવાનું ખેડૂતોના ધ્યાનમાં આવ્યું છે. સ્થાનિક વડીલ ખેડૂતોના જણાવ્યા મુજબ ટીટોડીનું ઈંડા મૂકવાનું સ્થાન માત્ર કુદરતી ક્રિયા નથી, પરંતુ તે આવનારી ઋતુ અંગેનો એક સંકેત માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ જો ટીટોડી જમીન પર ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદ મધ્યમ રહેવાની શક્યતા ગણાય છે, જ્યારે જો તે ઝાડની ડાળીઓ, મકાનની છત, છાપરા અથવા ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાનો અંદાજ લગાવવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં અગાઉ વર્ષો સુધી એવી પરિસ્થિતિ રહી હતી કે એક વર્ષ સારો વરસાદ પડે તો બીજા બે વર્ષ વરસાદ નહીંવત રહે. દુષ્કાળ, પાણીની અછત અને ખેતીમાં અનિશ્ચિતતા કચ્છના જીવનનો એક હિસ્સો બની ગયા હતા. પરંતુ વિનાશક ભૂકંપ બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનના ચક્રમાં નોંધપાત્ર ફેરફાર અનુભવાયો છે. હવે લગભગ દર વર્ષે કચ્છમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતી, ચારો અને જળસંગ્રહની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં, વરસાદનું પ્રમાણ કેટલું રહેશે તે જાણવાની ઉત્સુકતા ખેડૂતોમાં હંમેશા રહેતી હોય છે.

હાલમાં મે મહિનાની શરૂઆત સાથે જ ટીટોડી દ્વારા ઈંડા મૂકવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે અને એ સમયને ખેડૂત વર્ગ ખાસ ધ્યાનથી જુએ છે. કાઠડા ગામમાં જમીન પર મુકાયેલા આ ઈંડાઓને જોઈને વડીલ ખેડૂતોએ પરંપરાગત અનુભવના આધારે આવનારી ચોમાસાની ઋતુમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે કુદરત ક્યારેય ખોટું બોલતી નથી, ફક્ત તેને સમજવાની નજર હોવી જોઈએ. ટીટોડી, ચકલી, કાગડા અને અન્ય પક્ષીઓના વર્તનમાં થતા ફેરફારો વર્ષોથી ગ્રામ્ય સમાજ માટે જીવંત હવામાનશાસ્ત્ર સમાન રહ્યા છે.

આ ઘટના સામે આવ્યા બાદ માંડવી પંથકમાં ખેતી સાથે સંકળાયેલા લોકોમાં ચોમાસા અંગે ચર્ચા તેજ બની છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ, ગુવાર અને ચારા પાકની તૈયારી કરતા ખેડૂતો માટે આ પ્રકારના કુદરતી સંકેતો આજે પણ માન્યતા ધરાવે છે. ભલે આજે સેટેલાઈટ ચિત્રો અને વૈજ્ઞાનિક મોડેલો ઉપલબ્ધ હોય, છતાં ગામડાની ધરતી સાથે જોડાયેલા ખેડૂતો માટે ટીટોડીના ઈંડા કુદરતનો વિશ્વસનીય સંદેશ માની લેવામાં આવે છે.

કાઠડા ગામની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કચ્છની ધરતી પર પરંપરા અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ આજે પણ અખંડિત છે. આધુનિક હવામાન આગાહી વચ્ચે પણ ગ્રામ્ય અનુભવ અને કુદરતી નિરીક્ષણનું પોતાનું આગવું મહત્વ છે. હવે સૌની નજર આકાશ તરફ છે કે ટીટોડીનો આ સંકેત કેટલો સાચો સાબિત થાય છે અને માંડવી સહિત સમગ્ર કચ્છમાં ચોમાસું ખરેખર મધ્યમ રહે છે કે પછી કુદરત કોઈ નવી ચમત્કારિક વળાંક લે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande