
પાટણ, 02 મે (હિ.સ.)સિદ્ધપુરમાં પૈસાના જૂના હિસાબ બાબતે એક વકીલ પર લોખંડના છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 2 મે, 2026ની રાત્રે 1:15 વાગ્યે વકીલ એક્ટિવા પર શંકરપુરાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે મંગલદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શ્રીમાળીએ તેમને રોકી ઝઘડો શરૂ કર્યો હતો.
વિવાદ દરમિયાન ઉશ્કેરાયેલા સુરેશભાઈએ વકીલના માથાના ભાગે છરા વડે હુમલો કર્યો હતો. બચાવ દરમિયાન વકીલને હાથની આંગળીઓમાં પણ ઈજાઓ પહોંચી હતી. વકીલ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થતા આરોપી ત્યાંથી ભાગી ગયા હતા, જતાં પહેલાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
લોહીલુહાણ હાલતમાં વકીલને તરત જ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં 17 ટાંકા આવ્યા છે. ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ