
અમરેલી,02 મે (હિ.સ.)
અમરેલી જિલ્લામાં ધારી–અમરેલી રોડ પર મોડી રાત્રે એક સિંહણ શિકારની શોધમાં નીકળેલી જોવા મળતાં વિસ્તારમાં ચકચાર મચી છે. રસ્તા પરથી પસાર થતા એક વાહનચાલકે આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું હતું, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં કુતૂહલ સાથે થોડી ભયની લાગણી પણ જોવા મળી રહી છે.
માહિતી મુજબ, સિંહણ જંગલ વિસ્તાર છોડીને રોડ નજીક સુધી આવી પહોંચી હતી અને આસપાસ શિકારની શોધમાં ભટકતી જોવા મળી હતી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહો હવે માનવ વસાહતોની નજીક વધુ દેખાવા લાગ્યા છે.
વન વિભાગે લોકોને અપીલ કરી છે કે, આવા સમયે ગભરાવું નહીં અને સાવચેતી રાખવી. ખાસ કરીને રાત્રિના સમયે આ રસ્તા પર પસાર થનાર વાહનચાલકોને ધીમું ચલાવવું અને સિંહોને નજીકથી જોવા કે ફોટા પાડવા માટે વાહન રોકવાનું ટાળવું જોઈએ.
આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને માનવ-વન્યજીવન વચ્ચે સંતુલન જળવાઈ રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai