
મહેસાણા, 02 મે (હિ.સ.) :
મહેસાણા જિલ્લામાં આરટીઓ ટીમ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આજરોજ વસાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સોખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો માટે ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિડિયોના માધ્યમથી સરળ અને સમજાય તેવી ભાષામાં ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવી. જેમાં હેલ્મેટ પહેરવાની આવશ્યકતા, સીટબેલ્ટનો ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો તેમજ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જેવી મહત્વપૂર્ણ બાબતો પર ભાર મુકાયો હતો.
આ ઉપરાંત આરટીઓ ટીમ દ્વારા આશા વર્કરોને ટ્રાફિક જાગૃતિ માટે પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આશા વર્કરો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા હોવાથી તેઓ આ માહિતી લોકોને પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો અને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે. આરટીઓ વિભાગે જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજાઈને વધુમાં વધુ લોકોને ટ્રાફિક નિયમો અંગે સચેત બનાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR