
ભાવનગર 2 મે (હિ.સ.) : આજે 02 મે શનિવારના રોજ સવારે અંદાજે 10:00 વાગ્યે પાલિતાણા રેલવે સ્ટેશન પર તાત્કાલ બુકિંગ માટે એક મુસાફર કાઉન્ટર પર આવ્યા હતા. બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેઓ અજાણતા પોતાનો મોબાઇલ ફોન કાઉન્ટર પર જ મૂકી જતા રહ્યા.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ડ્યૂટી પર તૈનાત બુકિંગ ક્લાર્ક જયવીર સિંહ જાડેજાની સતર્ક નજર જ્યારે મોબાઇલ પર પડી, ત્યારે તેમણે તરત જ પોતાની જવાબદારી નિભાવી અને તેની માહિતી ડ્યુટી પર રહેલા ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને આપી તથા મોબાઇલને સુરક્ષિત રીતે પોતાની પાસે રાખ્યો. થોડીવાર બાદ સંબંધિત મુસાફર ફરી સ્ટેશન પર આવ્યા અને પોતાનો મોબાઇલ છૂટી જવાની માહિતી આપી. રેલવે સ્ટાફ દ્વારા સંપૂર્ણ સાવચેતી રાખીને મુસાફરની ઓળખની ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી, જેમાં તેમના મોબાઇલ નંબર અને આધાર કાર્ડનું મિલાન કરવામાં આવ્યું. ચકાસણી પૂર્ણ થયા બાદ બુકિંગ ક્લાર્ક જયવીર સિંહ જાડેજા તથા ડ્યુટી પર રહેલા સ્ટેશન માસ્ટર શ્રીકાંત કુમાર દ્વારા મુસાફરને તેમનો મોબાઇલ સુરક્ષિત રીતે પરત આપવામાં આવ્યો.
આ ઘટનાએ ફરી એકવાર ભારતીય રેલવેના કર્મચારીઓની ઈમાનદારી, સતર્કતા અને મુસાફર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભાવનગર મંડળના મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માએ કર્મચારીઓના આ સરાહનીય કાર્યની પ્રશંસા કરી અને મુસાફરોને સુરક્ષિત અને વિશ્વસનીય સેવા આપવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ