
અમરેલી, 02 મે (હિ.સ.) :
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા મોરઝર ગામ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં એક સિંહ જોવા મળતાં વનવિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, આ સિંહ ‘રવિ અને રામ’ તરીકે જાણીતી વિખ્યાત સિંહ બેલડી પૈકીનો ‘રવિ’ હોવાનું સામે આવ્યું છે. ઈનફાઈટ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો સિંહ આસપાસના વિસ્તારમાં ભટકતો જોવા મળ્યો હતો. જર ગામના સ્થાનિક લોકોની નજરે સિંહ ચડતા જ તેમણે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સિંહને સુરક્ષિત રીતે કાબૂમાં લેવા માટે વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. સિંહની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને પાંજરે પુરવા માટે લગભગ બે દિવસ સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
વનવિભાગની ટીમે સતત મોનીટરીંગ, ટ્રેકિંગ અને યોગ્ય તકની રાહ જોઈને આખરે ઇજાગ્રસ્ત સિંહને સફળતાપૂર્વક પાંજરે પુર્યો હતો. રેસ્ક્યુ બાદ સિંહને તાત્કાલિક સારવાર માટે આંબરડી સફારી પાર્ક ખાતે આવેલા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. ડોક્ટરોએ સિંહની તબિયતનું નિરીક્ષણ શરૂ કરી સારવાર આપવામાં આવી રહી છે. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સિંહ હાલ દેખરેખ હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગીર વિસ્તારના સિંહોમાં થતા ઈનફાઈટ અને તેમની સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકો અને વનવિભાગની ઝડપી કામગીરીને કારણે સિંહને સમયસર સારવાર મળી શકી છે, જે તેની જીંદગી બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai