
ભાવનગર,02 મે (હિ.સ.)ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગરના સહયોગથી રેસિડેન્શિયલ “સમર સાયન્સ કેમ્પ – 2026” નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉનાળાની રજાઓ દરમ્યાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધારવા માટે આ કેમ્પ એક ઉત્તમ તકરૂપ બન્યો છે.
આ કેમ્પનો મુખ્ય હેતુ માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન પૂરું પાડવાનો નથી, પરંતુ પ્રયોગાત્મક શિક્ષણ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો છે. વિવિધ પ્રયોગો, મોડલ બનાવવાની પ્રવૃત્તિઓ, સાયન્સ ગેમ્સ અને ઇન્ટરએક્ટિવ સત્રો દ્વારા વિદ્યાર્થીઓને હાથે-કામનો અનુભવ આપવામાં આવશે. જેના કારણે તેઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા અને નવીનતા પ્રત્યેનો અભિગમ મજબૂત બનશે.
આ રેસિડેન્શિયલ કેમ્પની ખાસિયત એ છે કે વિદ્યાર્થીઓને થોડા દિવસો માટે ઘર અને વાલીઓથી દૂર રહીને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અનુભવ મળે છે. મોબાઇલ ફોનથી દૂર રહીને તેઓ પોતાની દૈનિક કામગીરી જાતે સંભાળે છે, જેના કારણે આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસે છે.
દર વર્ષે આ સમર સાયન્સ કેમ્પને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળતો રહ્યો છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. કેમ્પ દરમિયાન નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને પ્રેરણાદાયી સત્રોનું આયોજન કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ રીતે, ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત આ સમર સાયન્સ કેમ્પ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT