
જામનગર, 02 મે (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક રહેણાંક મકાન પર ગઈ રાત્રે સ્થાનિક પોલીસે ઇંગલિશ દારૂ અંગે દરોડો પાડયો હતોૈ દરોડા દરમિયાન મકાનમાંથી 240 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે મકાન માલિકને ઝડપી પાડી તેની સામે પ્રોહિબીશનની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખવાના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, તા. 01/05/2026ના રોજ સાંજે 8.00 વાગ્યે મેઘપર ગામ ખાતે રાધે કૃષ્ણ મંદિર વાળી શેરીમાં આરોપીના રહેણાંક મકાન ખાતે પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અજીતસિંહ ભુપતસિંહ કંચવા (ઉંમર 37, રહે. મેઘપર ગામ, તા. લાલપુર, જી. જામનગર) પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં હાજર મળી આવ્યા હતા.
તપાસ કરતા તેમના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 240 બોટલો (અંદાજિત કિંમત રૂપિયા 21,600) નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(ઈ), 116(બી) અને 81 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt