અમરેલીમાં પશુપાલનનો ગૌરવ: સાવરકુંડલામાં પાંચ લાખની જાફરાબાદી ભેંસ આકર્ષણનું કેન્દ્ર
અમરેલી, 02 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં પશુપાલન આજે પણ સૌથી વિશ્વસનીય અને આવકદાયક વ્યવસાયોમાંનો એક માનવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભેંસ પાલન, દૂધ ઉત્પાદન અને બ્રીડિંગનો વ્યવસાય મોટા પાયે કરવામાં આવે છે. તેમાં જાફરાબાદી નસલની ભેંસ પ
અમરેલીમાં પશુપાલનનો ગૌરવ: સાવરકુંડલામાં પાંચ લાખની જાફરાબાદી ભેંસ આકર્ષણનું કેન્દ્ર


અમરેલી, 02 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં પશુપાલન આજે પણ સૌથી વિશ્વસનીય અને આવકદાયક વ્યવસાયોમાંનો એક માનવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભેંસ પાલન, દૂધ ઉત્પાદન અને બ્રીડિંગનો વ્યવસાય મોટા પાયે કરવામાં આવે છે. તેમાં જાફરાબાદી નસલની ભેંસ પોતાની ઊંચી કાયા, વધુ દૂધ ઉત્પાદન અને ઉત્તમ વંશીય ગુણધર્મોને કારણે વિશેષ સ્થાન ધરાવે છે. સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પણ જાફરાબાદી ભેંસની માંગ સતત વધી રહી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના પશુપાલક અમજદ મલેક હાલમાં પોતાની એક જાફરાબાદી ભેંસને કારણે ચર્ચામાં છે. તેમની પાસે રહેલી આ ભેંસની અંદાજિત કિંમત પાંચ લાખ રૂપિયા છે. ભેંસની કદાવર રચના, દૂધ આપવાની ક્ષમતા અને બ્રીડિંગ માટેની યોગ્યતા તેને ખાસ બનાવે છે.

અમજદ મલેક જણાવે છે કે તેમના પરિવારમાં કાકા, દાદા અને ભાઈઓ છેલ્લા 25 વર્ષથી પશુપાલન સાથે જોડાયેલા છે. પરિવારની પરંપરાને આગળ વધારતાં તેઓ પોતે પણ પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ જાફરાબાદી નસલની ભેંસોની ખરીદી-વેચાણ સાથે દૂધ ઉત્પાદન અને બ્રીડિંગનું કામ પણ કરે છે.

સાવરકુંડલામાં આવેલા તેમના તબેલામાં હાલ રહેલી આ ભેંસ લગભગ 5.9 ફૂટ જેટલી ઊંચી અને આશરે 9 ફૂટ જેટલી લાંબી છે. અંદાજે 600 કિલોગ્રામ વજન ધરાવતી આ ભેંસ દૈનિક 25 થી 27 લીટર સુધી દૂધ આપે છે. ભેંસના નળાકાર શીંગડા તેની વિશેષ ઓળખ છે. અમજદભાઈ જણાવે છે કે શીંગડામાં કોડિયા મુકવામાં આવે અને ભેંસ ચાલે ત્યારે પણ તે નીચે પડતા નથી, જે તેની શારીરિક મજબૂતી અને ગુણવત્તાનું પ્રતિક માનવામાં આવે છે.

આ ભેંસની ગુણવત્તાને કારણે અન્ય પશુપાલકો તરફથી છ લાખ રૂપિયા સુધીની માંગ પણ કરવામાં આવી હતી. તેમ છતાં અમજદભાઈએ તેને વેચવાનો નિર્ણય કર્યો નથી, કારણ કે તેઓ તેને બ્રીડિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. ભેંસની સારી સંભાળ માટે ખાસ એક વ્યક્તિ રાખવામાં આવ્યો છે. તેને દિવસમાં ત્રણ વખત લીલો અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે. દરરોજ આશરે 18 થી 20 કિલોગ્રામ ઘાસચારો, 3 થી 5 કિલોગ્રામ ખાણદાન અને લગભગ એક કિલોગ્રામ ગોળ આપવામાં આવે છે. પશુપાલકોના જણાવ્યા મુજબ જાફરાબાદી ભેંસ માત્ર દૂધ ઉત્પાદન માટે જ નહીં, પરંતુ બ્રીડિંગ અને ઊંચી બજાર કિંમતને કારણે પણ અમરેલી જિલ્લાના પશુપાલન વ્યવસાયને નવી ઓળખ આપી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande