
નવી દિલ્હી, 27 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશના વિવિધ ભાગોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને લૂની સ્થિતિ વચ્ચે નાગરિકોને સતર્ક રહેવા અને તમામ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા, બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા અને જરૂરિયાતમંદોને પાણી ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે.
પ્રધાનમંત્રીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેટલીક પોસ્ટ શેર કરતાં જણાવ્યું કે, અતિશય ગરમી દરેક માટે પડકારજનક છે. તેમણે લોકોને હીટ એક્ઝોશનના લક્ષણો જેવા કે ચક્કર આવવા, ઉબકા આવવા અને ભારે થાકને નજરઅંદાજ ન કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિને નબળાઈ, માથાનો દુખાવો કે અસ્વસ્થતા અનુભવાય, તો તેને તાત્કાલિક ઠંડી અને છાયડાવાળી જગ્યાએ લઈ જઈને પાણી અને ઓઆરએસ આપવું જોઈએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો અતિશય ગરમીમાં સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેમણે ચેતવણી આપી કે લક્ષણોની અવગણના કરવાથી સ્થિતિ ગંભીર બનીને હીટસ્ટ્રોકનું રૂપ લઈ શકે છે.
મોદીએ લોકોને પોતાના માતા-પિતા, દાદા-દાદી અને અન્ય વડીલ પરિજનોનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરતાં જણાવ્યું કે તેઓને નિયમિત રીતે ફોન કરીને તેમના ખબરઅંતર પૂછો અને પૂરતું પાણી પીવા, બપોરના તડકામાં બહાર ન નીકળવા તેમજ પૂરતો આરામ કરવાની સલાહ આપો.
પ્રધાનમંત્રીએ કાળઝાળ ગરમી દરમિયાન પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાનું પણ આહવાન કર્યું. તેમણે જણાવ્યું કે, ઘરો, બાલ્કની, અગાશી, દુકાનો અને ઓફિસોની બહાર પાણીથી ભરેલા નાના વાસણો રાખવા તરસ્યા પક્ષીઓ અને પ્રાણીઓ માટે જીવનદાયી સાબિત થઈ શકે છે.
પ્રધાનમંત્રીએ લખ્યું, “દેશના અલગ-અલગ ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને તેની સાથે જ રોજિંદા જીવનમાં ગરમીના કારણે થતી મુશ્કેલીઓ પણ વધી રહી છે. હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે, જેટલી વધુ સાવચેતી રાખી શકાય, ચોક્કસ રાખો. કૃપા કરીને પોતાને હાઇડ્રેટેડ રાખો, ઘરની બહાર નીકળતી વખતે પાણી સાથે રાખો. આવી ઋતુમાં તમારી સંવેદનશીલતા પણ બહુ મોટો સહારો બની જાય છે. જો શક્ય હોય, તો કોઈ તરસ્યા વ્યક્તિને એક ગ્લાસ પાણી જરૂર પીવડાવો. હું એવા લોકોની પ્રશંસા પણ કરીશ જેઓ પોતાના ઘરો અને દુકાનોની બહાર માટીના માટલામાં પાણી રાખે છે જેથી કોઈ પણ વ્યક્તિ તેમાંથી પાણી પી શકે.”
અન્ય એક પોસ્ટમાં લખ્યું, “જ્યારે પણ શક્ય હોય, તમારા માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની અને અન્ય પ્રિયજનોને ફોન કરીને તેમના ખબરઅંતર ચોક્કસ પૂછો. તેમને પૂરતું પાણી પીવા, બપોરના પ્રચંડ તડકામાં બહાર ન નીકળવા અને બને એટલો આરામ કરવાની સલાહ આપો.”
પ્રધાનમંત્રીએ લખ્યું, “આ અસહ્ય ગરમીમાં આપણે આપણી આસપાસના પશુ-પક્ષીઓને પણ ન ભૂલવા જોઈએ. પોતાના ઘર, બાલ્કની, અગાશી, દુકાન કે ઓફિસની બહાર પાણીથી ભરેલું એક નાનું વાસણ રાખવું પણ કોઈ તરસ્યા પક્ષી માટે જીવનદાન બની શકે છે. ચાલો, આ મુશ્કેલ દિવસોમાં સંપૂર્ણ સંવેદનશીલતા અને કરુણા સાથે એકબીજાનું ધ્યાન રાખીએ.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ