ભુજમાં સરહદી સુરક્ષા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા મહત્વપૂર્ણ નિર્દેશો
ભૂજ/ગાંધીનગર, 30 મે (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, શુક્રવારે ભુજ ખાતે સરહદ સંબંધિત વિષયો પર યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં સરહદી સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને ઘૂસણખોરી, તસ્કરી તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત
ભુજ ખાતે બેઠક


ભૂજ/ગાંધીનગર, 30 મે (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, શુક્રવારે ભુજ ખાતે સરહદ સંબંધિત વિષયો પર યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં સરહદી સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને ઘૂસણખોરી, તસ્કરી તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ માટે વિવિધ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે, બોર્ડર ફેન્સિંગ, દરિયાઈ સરહદોની સુરક્ષા તથા રાજ્ય સરકારની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિના પરિણામે ગુજરાતના સુરક્ષા માહોલમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. જેના કારણે રાજ્યમાં ઘૂસણખોરી અને સરહદ પારથી થતી તસ્કરી લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.

તેમણે સરહદી જિલ્લાઓમાં જનસાંખ્યિકી પરિવર્તનો પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સતત નજર રાખવા અને નિયમિત અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. સાથે જ સરહદી વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપિત થવાથી થઈ રહેલા રિવર્સ માઈગ્રેશનને આવકારદાયક ગણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ દરેક સરહદી જિલ્લાને પોતાની જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરવા જણાવ્યું હતું. જેમાં અગાઉથી વસેલા ઘૂસણખોરોની ઓળખ, ડ્રોન પ્રવૃત્તિઓ પર નજર અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે વિશેષ વ્યવસ્થા સામેલ કરવાની સૂચના આપવામાં આવી હતી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોલીસ સ્ટેશનથી લઈને પટવારી સ્તર સુધીના તમામ અધિકારીઓએ સંકલિત પ્રયાસો દ્વારા અગાઉથી વસેલા ગેરકાયદે ઘૂસણખોરોને પરત મોકલવાની કામગીરી ઝડપી બનાવવી જોઈએ. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદથી 0 થી 15 કિલોમીટર વિસ્તારની અંદર તમામ અનધિકૃત દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા તથા સરહદી વિસ્તારોમાં કટ્ટરપંથીકરણના કેન્દ્રો પર ખાસ નજર રાખવા સૂચના આપી હતી.

શાહે દરેક સરહદી જિલ્લામાં સુરક્ષા સંકલન સમિતિની રચના કરવાની પણ ભલામણ કરી હતી, જેમાં બીએસએફ, કોસ્ટ ગાર્ડ, ઇન્કમ ટેક્સ વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તેમજ લીડ બેંકના મેનેજરોને સામેલ કરવામાં આવે.

બેઠકમાં હવાલા વ્યવહારો, મ્યૂલ એકાઉન્ટ, શેલ કંપનીઓ, શંકાસ્પદ વાહનો તથા જીએસટી વસૂલાત પર કડક દેખરેખ રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે ઇન્કમ ટેક્સ વિભાગ અને RBIના સહયોગથી વ્યાપક સર્વે અભિયાન હાથ ધરવા સૂચના આપી હતી.

શાહે જણાવ્યું કે ઇન્કમ ટેક્સ, મની લોન્ડરિંગ અને કસ્ટમ્સ સંબંધિત કાયદાઓના અસરકારક અમલીકરણની જવાબદારી જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને બોર્ડર રેન્જના આઈજી સ્તરના અધિકારીઓની રહેશે. તેમણે ઉમેર્યું કે સરહદી સુરક્ષા માત્ર સુરક્ષા દળોની નહીં, પરંતુ તમામ સંબંધિત એજન્સીઓ અને વહીવટી તંત્રના સંકલિત પ્રયાસોથી વધુ મજબૂત બની શકે છે.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande