પૂર્વ ભારતીય નિશાનબાજ અને ઓલિમ્પિયન રણધીર સિંહનું નિધન
- એશિયન ઓલિમ્પિક કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ અને 5 વખતના ઓલિમ્પિયન હતા રણધીર સિંહ નવી દિલ્હી, 27 મે (હિ.સ.). પૂર્વ ભારતીય નિશાનબાજ અને ઓલિમ્પિયન રણધીર સિંહનું બુધવારે સવારે નવી દિલ્હીમાં 79 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ભારતીય રમતજગત,
પૂર્વ ભારતીય નિશાનબાજ અને ઓલિમ્પિયન રણધીર સિંહ


- એશિયન ઓલિમ્પિક કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ અને 5 વખતના ઓલિમ્પિયન હતા રણધીર સિંહ

નવી દિલ્હી, 27 મે (હિ.સ.). પૂર્વ ભારતીય નિશાનબાજ અને ઓલિમ્પિયન રણધીર સિંહનું બુધવારે સવારે નવી દિલ્હીમાં 79 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ભારતીય રમતજગત, ખાસ કરીને નિશાનબાજી ક્ષેત્રે શોકની લહેર દોડી ગઈ છે.

અર્જુન પુરસ્કારથી સન્માનિત રણધીર સિંહ ભારતીય અને એશિયન રમતગમત વહીવટમાં લાંબા સમય સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા. તેઓ 1987 થી 2012 સુધી ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) ના મહામંત્રી (જનરલ સેક્રેટરી) રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ 2001 થી 2014 સુધી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) ના સભ્ય પણ રહ્યા હતા અને બાદમાં તેમને માનદ સભ્ય બનાવવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર 2024 માં રણધીર સિંહે ઇતિહાસ રચતાં એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ (ઓસીએ) ના પ્રથમ ભારતીય પ્રમુખ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. નવી દિલ્હીમાં યોજાયેલી 44મી સામાન્ય સભામાં તેમને 2028 સુધીના 4 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જો કે, ખરાબ તબિયતના કારણે તેમનો કાર્યકાળ આ વર્ષે સમય પહેલા સમાપ્ત થઈ ગયો હતો.

5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ

પંજાબના પટિયાલાથી સંબંધ ધરાવતા રણધીર સિંહ રમતગમત સાથે જોડાયેલા પરિવારમાંથી આવતા હતા. તેઓ 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા નિશાનબાજ હતા. તેમણે 1978 બેંગકોક એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતને નિશાનબાજીમાં પ્રથમ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

એનઆરએઆઈ એ ઊંડો શોક વ્યક્ત કર્યો

નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) ના સેક્રેટરી રાજીવ ભાટિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, “અત્યંત દુઃખ સાથે અમે આ માહિતી શેર કરી રહ્યા છીએ કે રાજા રણધીર સિંહનું 27 મે 2026 ના રોજ નિધન થયું છે. તેઓ એક મહાન ઓલિમ્પિયન, અર્જુન પુરસ્કાર વિજેતા અને ભારત, એશિયા તેમજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ચળવળના સૌથી આદરણીય રમત પ્રશાસકોમાંના એક હતા.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “નિશાનબાજીની રમત અને ઓલિમ્પિક ચળવળના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. NRAI અને સમગ્ર નિશાનબાજી પરિવાર આ અપૂરણીય ખોટ પર શોક વ્યક્ત કરે છે અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande