
કોલકતા, નવી દિલ્હી, 28 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બાદુડિયા નગરપાલિકાના ચેરમેન દીપાંકર ભટ્ટાચાર્ય સાથે જોડાયેલા કેસમાં, પોલીસે શણના ખેતરમાંથી બે કરોડ 24 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. બુધવાર સાંજથી શરૂ થયેલી નોટોની ગણતરી આખી રાત ચાલતી રહી. બેંક કર્મચારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓની હાજરીમાં ચાર વખત ગણતરી કર્યા બાદ પોલીસે ગુરુવારે વહેલી સવારે જપ્ત કરાયેલી રકમની સત્તાવાર પુષ્ટિ કરી.
પોલીસે સોમવારે દીપાંકર ભટ્ટાચાર્યની એક હોટેલમાંથી ધરપકડ કરી હતી. તે સમયે પણ તેમની પાસેથી આશરે 80 લાખ રૂપિયા મળી આવ્યા હતા. મંગળવારે કોર્ટે તેમને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.
બુધવારે પોલીસ દીપાંકરને સાથે લઈને તૃણમૂલ કાર્યાલય નજીક આવેલી એક જમીન પર પહોંચી હતી. ત્યાં શણના ખેતરમાં એક જગ્યાએ ખોદકામ કરતા બેગમાં ભરેલી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રોકડથી ભરેલી ચાર ટ્રોલી બેગ અને એક કોથળો જપ્ત કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તમામ બેગમાં 500 રૂપિયાની નોટોના બંડલ હતા.
સોમવાર રાત્રે દીપાંકર ભટ્ટાચાર્યની ધરપકડ બાદ, બાદુડિયા નગરપાલિકાના એક બંધ પડેલા કોમ્પ્યુટર સેન્ટરમાંથી પણ આશરે ચાર હજાર સરકારી તાડપત્રી અને 80 લાખ રૂપિયા મળી આવ્યા હતા. સ્થાનિક સ્તરે આક્ષેપો થઈ રહ્યા છે કે, આ રકમ આવાસ યોજના સાથે જોડાયેલા કૌભાંડ અથવા ગેરકાયદેસર વસૂલાત સાથે સંબંધિત હોઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ