રાજસ્થાનમાં સ્કોર્પિયોમાં જીવતા બળી ગયા પૂર્વ સરપંચ, માતા-પુત્ર સહિત 4 લોકો, હત્યાની આશંકા
અજમેર (રાજસ્થાન), નવી દિલ્હી, 28 મે (હિ.સ.). અજમેર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક સ્કોર્પિયોમાં આગ લાગવાથી પૂર્વ સરપંચ માતા-પુત્ર સહિત 4 લોકો જીવતા બળી ગયા. આ ઘટના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીરામપુરા ગામ નજીક સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી
સળગી ગયેલી સ્કોર્પીઓ કાર


અજમેર (રાજસ્થાન), નવી દિલ્હી, 28 મે (હિ.સ.). અજમેર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક સ્કોર્પિયોમાં આગ લાગવાથી પૂર્વ સરપંચ માતા-પુત્ર સહિત 4 લોકો જીવતા બળી ગયા. આ ઘટના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રીરામપુરા ગામ નજીક સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી. શરૂઆતમાં આ બાબતને અકસ્માત માનવામાં આવી રહ્યો હતો, પરંતુ ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ પછી પોલીસ હવે હત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે.

આ ઘટનામાં શ્રીરામપુરાના રહેવાસી અને પૂર્વ સરપંચ રામસિંહ ચૌધરી, તેમના માતા અને પૂર્વ સરપંચ પુસી દેવી, પત્ની અને કોંગ્રેસ સમર્થિત નિવર્તમાન જિલ્લા પરિષદ સભ્ય સુરજ્ઞાન દેવી તથા ભાણી મહિમાનું મોત નીપજ્યું હતું. ચારેયના મૃતદેહ સ્કોર્પિયોમાં ખરાબ રીતે બળેલી હાલતમાં મળ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, પૂર્વ સરપંચ પુસી દેવીને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. આ જ કારણે રામસિંહ ચૌધરી તેમને હોસ્પિટલ લઈ જવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતા. કારમાં પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. ગામથી આશરે 1 કિલોમીટર દૂર અચાનક વાહનમાં આગ લાગી ગઈ. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ગણતરીની મિનિટોમાં જ આખી ગાડી આગનો ગોળો બની ગઈ અને અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાની તક પણ ન મળી. ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આગ એટલી ભીષણ હતી કે, આસપાસથી પાણીના ટેન્કર બોલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અકસ્માતના થોડા સમય બાદ પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલા સહિત પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલાએ ત્યારે નવો વળાંક લીધો જ્યારે પોલીસ તપાસ દરમિયાન મૃતક સુરજ્ઞાન દેવીના ગળા પર લોહીના નિશાન જોવા મળ્યા. આ સિવાય તપાસમાં પોલીસને 2 ઈંટો અને લોહીના ડાઘ પણ મળ્યા છે. આ પરિસ્થિતિઓએ ઘટનાને શંકાસ્પદ બનાવી દીધી છે. પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલાએ જણાવ્યું કે, પોલીસ દરેક પાસાથી આ મામલાની તપાસ કરી રહી છે. એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે પછી તેની પાછળ કોઈ ષડયંત્ર છે, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તેને હત્યા માનીને પણ તપાસ આગળ ધપાવી રહી છે. રામસિંહ ચૌધરી વિસ્તારના રાજકારણમાં સક્રિય ચહેરો માનવામાં આવતા હતા. તેઓ બોરાડા ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા હતા અને કિશનગઢ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યા હતા. તેમના માતા પુસી દેવી પણ કાસીર ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા હતા. જ્યારે પત્ની સુરજ્ઞાન દેવી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને નિવર્તમાન જિલ્લા પરિષદ સભ્ય હતા. એક જ પરિવારના 4 લોકોના આ રીતે મોતના કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમર્થકો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / રોહિત / સંદીપ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande