અમિત શાહ સહિત અનેક નેતાઓએ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 28 મે (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના દેશપ્રેમ, ત્યાગ અને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાનને યાદ કર્યુ
વીર સાવરકર


નવી દિલ્હી, 28 મે (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના દેશપ્રેમ, ત્યાગ અને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાનને યાદ કર્યું. તમામ લોકોએ સાવરકરના વિચારો અને સંઘર્ષપૂર્ણ જીવનને પ્રેરણાદાયી ગણાવ્યું.

અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, વીર સાવરકરે માતૃભૂમિની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. તેમનું જીવન અને તેમનું લેખન દેશ તથા વિચારધારા પ્રત્યે અતૂટ સમર્પણની શીખ આપે છે. તેમણે સાવરકરના એ કથનનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, હે માતૃભૂમિ! તારા વિના જીવન મૃત્યુ સમાન છે. અસ્પૃશ્યતા જેવી સામાજિક કુરિવાજો સામે સાવરકરનો સંઘર્ષ હંમેશા પ્રેરણારૂપ રહેશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, વીર સાવરકરને મહાન સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, ઓજસ્વી વક્તા, કવિ અને દાર્શનિક ગણાવતા કહ્યું કે, તેમણે અનેક યાતનાઓ સહન કરીને ભારતની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. સાવરકરનું જીવન ત્યાગ, સંઘર્ષ અને નિઃસ્વાર્થ રાષ્ટ્રસેવાની અમીટ ગાથા છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, સાવરકરને મા ભારતી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાન ક્રાંતિકારી ગણાવતા કહ્યું કે, તેમણે અદમ્ય સાહસ અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતન સાથે સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા આપી. સેલ્યુલર જેલની કઠોર યાતનાઓ વચ્ચે પણ સાવરકરનું મનોબળ અડગ રહ્યું.

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, અંગ્રેજોની અસંખ્ય યાતનાઓ અને કાળા પાણીની સજા પણ વીર સાવરકરના દેશને સ્વતંત્ર કરાવવાના સંકલ્પને ડગાવી શકી નહીં. સાવરકરનું જીવન આવનારી પેઢીઓને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા આપતું રહેશે.

ભાજપ પ્રમુખ નીતિન નવીને જણાવ્યું કે, સ્વાતંત્ર્ય ચેતના, અદમ્ય સાહસ અને રાષ્ટ્ર સર્વોપરીના વિચારને પોતાનું જીવન સમર્પિત કરનારા વીર સાવરકરનું જીવન ત્યાગ, તપ અને રાષ્ટ્રસમર્પણનું અદ્વિતીય ઉદાહરણ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, વીર સાવરકરને રાષ્ટ્રની સ્વતંત્રતા માટે કઠોર અમાનવીય યાતનાઓ સહન કરનારા મહાન સ્વતંત્રતા સેનાની ગણાવતા કહ્યું કે તેમનું સંઘર્ષપૂર્ણ જીવન દેશવાસીઓને સાહસ અને રાષ્ટ્રહિતમાં સમર્પણનો સંદેશ આપતું રહેશે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, વીર સાવરકરના માત્ર નામ સ્મરણથી જ દેશભક્તિ, સાહસ અને આત્મગૌરવની ભાવના જાગૃત થઈ જાય છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વીર સાવરકરને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ, સાંસ્કૃતિક ગૌરવ અને અખંડ ભારતના ચેતનાના પ્રતીક ગણાવતા કહ્યું કે તેમનું વૈચારિક દર્શન દરેક રાષ્ટ્રભક્ત માટે પ્રેરણાનો અખંડ સ્ત્રોત રહેશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે, સાવરકરનું દેશભક્તિથી ઓતપ્રોત જીવન અને વિચારો હંમેશા દેશવાસીઓને રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરતા રહેશે.

ઉલ્લેખનીય છે કે, વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના રોજ થયો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલનના એક મહાન વ્યક્તિત્વ તરીકે તેઓ ક્રાંતિકારી, કવિ, લેખક અને દીર્ઘદ્રષ્ટા સમાજ સુધારક તરીકે ઓળખાય છે. વીર સાવરકરે 20મી સદીના પ્રારંભિક ગાળામાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે પ્રતિકારની ભાવના જાગૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સ્વતંત્રતાના હેતુથી યુવાનોને સંગઠિત અને પ્રેરિત કરવા માટે ક્રાંતિકારી સંગઠનોની સ્થાપના કરી હતી. તેમનું જીવન દેશભક્તિ, ધૈર્ય અને સુધારાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande