
- દિલ્હીમાં અવશેષોના 29 મેના રોજ સાર્વજનિક દર્શન, 31 મેના રોજ મંગોલિયામાં ઐતિહાસિક પ્રદર્શન
ભોપાલ, નવી દિલ્હી, 28 મે (હિ.સ.). મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત વિશ્વ ધરોહર સાંચી સ્તૂપમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પરમ શિષ્યો અરિહંત, સારિપુત્ર અને મહામોદ્ગલ્યાયનના પવિત્ર અવશેષો, આજે ગુરૂવારે ભોપાલથી નવી દિલ્હી માટે રવાના થશે. દિલ્હીમાં આ અવશેષો શુક્રવાર, 29 મેના રોજ સાર્વજનિક દર્શન માટે મુકાશે.
મધ્ય પ્રદેશના સંસ્કૃતિ અને પર્યટન વિભાગના અપર મુખ્ય સચિવ શિવ શેખર શુક્લાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ પર સાંચી સ્તૂપથી ભગવાન બુદ્ધના પરમ શિષ્યો અરિહંત, સારિપુત્ર અને મહામોદ્ગલ્યાયનના પવિત્ર અવશેષો સાર્વજનિક દર્શન માટે મંગોલિયા મોકલવામાં આવી રહ્યા છે. ભોપાલના રાજાભોજ એરપોર્ટ પર આજે (28 મે) આ પવિત્ર અવશેષોને રાજકીય સન્માન સાથે વિશેષ વિમાન દ્વારા નવી દિલ્હી માટે રવાના કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, આ પહેલ સંસ્કૃતિ મંત્રાલય (ભારત સરકાર), પર્યટન અને સંસ્કૃતિ, મહાબોધિ સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ બૌદ્ધ કન્ફેડરેશન (આઈબીસી) ના સંયુક્ત સમન્વયથી આયોજિત કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને મંગોલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવાનો, સહિયારી આધ્યાત્મિક વિરાસતને મજબૂત કરવાનો અને બૌદ્ધ તીર્થ પર્યટનને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પર્યટન અને સાંસ્કૃતિક વિકાસની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
નવી દિલ્હીમાં અવશેષોના સાર્વજનિક દર્શન
એસીએસ શુક્લાએ જણાવ્યું કે, નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં 29 મેના રોજ પવિત્ર અવશેષોને સાર્વજનિક દર્શન માટે રાખવામાં આવશે. આ પ્રસંગે ‘મહાબોધિ સોસાયટી ઓફ ઈન્ડિયા’ ના પૂજ્ય ભિક્ષુઓ પરંપરાગત વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરશે.
ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનથી 30 મેના રોજ મંગોલિયા માટે રવાના થશે
તેમણે જણાવ્યું કે, 30 મેના રોજ આ પવિત્ર અવશેષોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા મંગોલિયા માટે રવાના કરવામાં આવશે. આ પવિત્ર યાત્રા દરમિયાન ધાર્મિક પરંપરાઓની પવિત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મધ્ય પ્રદેશ પર્યટન અને મહાબોધિ સોસાયટી ઓફ ઈન્ડિયાનું એક પ્રતિનિધિ મંડળ અવશેષોની સાથે રહેશે.
મંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં 31 મેના રોજ પવિત્ર અવશેષોના સાર્વજનિક દર્શન થશે
એસીએસ શિવ શેખર શુક્લાએ જણાવ્યું કે, મંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં 31 મે 2026 થી શરૂ થનારી આ પ્રદર્શની અંદાજિત 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ, ભિક્ષુઓ અને પર્યટકોને આકર્ષિત કરશે. આનાથી ભારતના બૌદ્ધ તીર્થ સર્કિટ, ખાસ કરીને સાંચી જેવા સ્થળોમાં વૈશ્વિક રસ વધશે અને મંગોલિયાનો પોતાના આધ્યાત્મિક મૂળિયા સાથેનો જોડાણ પણ વધુ મજબૂત થશે. ભારતની બૌદ્ધ વિરાસતને મંગોલિયા જેવા બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા દેશમાં લઈ જઈને, આ ભારતની “બૌદ્ધ ધર્મની જન્મભૂમિ” તરીકેની ભૂમિકાને વધુ સશક્ત બનાવે છે અને આંતરરાષ્ટ્રીય તીર્થ પર્યટનને પ્રોત્સાહન આપે છે.
મધ્ય પ્રદેશ માટે મહત્વપૂર્ણ અવસર
શુક્લાએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશ માટે આ વૈશ્વિક મંચ પર પોતાના બૌદ્ધ સર્કિટને સ્થાપિત કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે, જેનાથી વિદેશી પર્યટકોની સંખ્યા, રોકાણનો સમયગાળો અને સાંસ્કૃતિક સહભાગિતામાં વધારો થશે. આ પહેલ બંને દેશોના મઠો, સાંસ્કૃતિક સંસ્થાઓ અને સંગ્રહાલયો વચ્ચે સતત સહયોગના નવા માર્ગો પણ ખોલશે, જેનાથી સહિયારી વિરાસત પર આધારિત લાંબા ગાળાના સાંસ્કૃતિક સંબંધો વિકસિત થશે.
સાંચી સ્તૂપ: યુનેસ્કો વિશ્વ ધરોહર અને આસ્થાનું વૈશ્વિક કેન્દ્ર
નોંધનીય છે કે, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ 'સાંચી સ્તૂપ' વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન બૌદ્ધ સ્થળોમાંનું એક છે. અહીં સુરક્ષિત રાખવામાં આવેલા પવિત્ર અવશેષોને ભગવાન બુદ્ધના પ્રતીક સ્વરૂપે અત્યંત શ્રદ્ધા અને પૂજનીય ભાવથી જોવામાં આવે છે. ભગવાન બુદ્ધના બે મુખ્ય શિષ્યો સારિપુત્ર અને મહામૌદ્ગલ્યાયન હતા, જેમને બુદ્ધના અગ્ર યુગ્મ માનવામાં આવતા હતા. સારિપુત્રને પ્રજ્ઞા (બુદ્ધિમત્તા) માં અને મૌદ્ગલ્યાયનને અલૌકિક શક્તિઓમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત હતું. બંને શિષ્યો બૌદ્ધ સંઘના અત્યંત મહત્વપૂર્ણ સ્તંભ હતા અને તેમણે ધમ્મના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની શિક્ષાઓ આજે પણ બૌદ્ધ દર્શન અને સાધના પરંપરામાં અત્યંત આદર સાથે યાદ કરવામાં આવે છે. વિશેષ બાબત એ છે કે સાંચીના 30 કિમીના દાયરામાં ઘણા એવા મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળો આવેલા છે, જે ભગવાન બુદ્ધની શિક્ષાઓના ગુંજારવને આજે પણ જીવંત રાખે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / નેહા પાંડે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ