
નવી દિલ્હી, 28 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે મહાન ક્રાંતિકારી અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર) તેમજ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખ્યાત અભિનેતા નંદામુરી તારક રામા રાવ (એનટીઆર ગારુ)ને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. વડાપ્રધાને જણાવ્યું કે, વીર સાવરકરની હિંમત અને દેશભક્તિ લોકોને હંમેશા પ્રેરિત કરતી રહેશે. તેમણે સ્વાતંત્ર્યવીર સાવરકર અને એનટીઆરનું ભાવપૂર્ણ સ્મરણ એક્સ પર કર્યું.
વડાપ્રધાન મોદીએ લખ્યું, મહાન ક્રાંતિકારી અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક વીર સાવરકરજીને તેમની જન્મજયંતી પર સાદર પ્રણામ. વીરતા અને બૌદ્ધિકતાથી ભરેલું તેમનું વ્યક્તિત્વ દેશની દરેક પેઢીને પ્રેરિત કરતું રહેશે. વડાપ્રધાને પોસ્ટની સાથે શ્લોક પણ શેર કર્યો-
अनन्तोद्भूतभूतौघसङ्कुले भूतलेऽखिले। शस्त्रे शास्त्रे त्रिचतुराश्चतुरा यदि मादृशाः।।
આ શ્લોક વ્યક્તિની અંદર વીરતા, પરાક્રમ અને જ્ઞાનના મહત્વને દર્શાવે છે. તેનો ભાવાર્થ છે- જો સમાજમાં કેટલાક જૂજ (3-4) લોકો પણ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના જ્ઞાતા અને પરાક્રમી હોય, તો તેઓ અસીમ અવરોધોથી ભરેલી આ દુનિયામાં એક સકારાત્મક અને શક્તિશાળી પરિવર્તન લાવી શકે છે. તેમણે લખ્યું, વીર સાવરકરની જન્મજયંતી પર તેમને યાદ કરી રહ્યો છું. તેમની હિંમત અને દેશભક્તિ હંમેશા લોકોને પ્રેરિત કરતી રહેશે. તેમની બુદ્ધિમત્તા અને સામાજિક સુધારા પર તેમનો ભાર પણ વિશેષ રૂપે નોંધપાત્ર છે.
તેમણે વીર સાવરકરની સાથે એનટીઆર ગારુને પણ યાદ કર્યા. વડાપ્રધાને લખ્યું, મહાન એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર નમ્ર શ્રદ્ધાંજલિ. તેમને જનકલ્યાણ અને સુશાસન પ્રત્યેના તેમના સમર્પણ માટે સ્નેહપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમણે ગરીબો અને વંચિતો માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું. સિનેમા ક્ષેત્રે તેમનું યોગદાન આજે પણ પેઢીઓને મંત્રમુગ્ધ કરતું આવ્યું છે. તેમનું જીવન અને તેમના આદર્શો આજે પણ અસીમ પ્રેરણાના સ્ત્રોત બનેલા છે. આંધ્રપ્રદેશમાં એનડીએ સરકાર, મારા મિત્ર ચંદ્રબાબુ નાયડુ, ગારુના નેતૃત્વમાં લોકો માટે તેમના દ્વારા સેવવામાં આવેલા સપનાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ