
સિલીગુડી, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). ભારત-નેપાળ સરહદના પાણીટંકી વિસ્તારમાં નકલી ઇમિગ્રેશન સ્ટેમ્પ દ્વારા સરહદ પાર કરવાનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે. સશસ્ત્ર સીમા બલ (એસએસબી) એ થાઇલેન્ડની 2 મહિલાઓની ધરપકડ કરી છે. પકડાયેલી મહિલાઓની ઓળખ પિમચાનઓક કેટલા અને ચિનતારા બુદ્ધાફોંગ તરીકે થઈ છે. આ મામલામાં 1 વાહન ચાલકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, ગુરુવારે સરહદ પાર કરતી વખતે એસએસબી જવાનોએ બંને વિદેશી મહિલાઓના દસ્તાવેજોની તપાસ કરી. તપાસ દરમિયાન તેમના વિઝા પર લગાવેલા ઇમિગ્રેશન સ્ટેમ્પ શંકાસ્પદ જણાયા હતા. ત્યારબાદ જ્યારે ઇમિગ્રેશન વિભાગ સાથે સ્ટેમ્પની સરખામણી કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ નામોથી કોઈ સત્તાવાર સ્ટેમ્પ જાહેર કરવામાં આવ્યો જ નહોતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને મહિલાઓ નકલી સ્ટેમ્પનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારબાદ એસએસબી એ બંનેને પકડીને આગળની કાર્યવાહી માટે ખોરીબારી પોલીસને હવાલે કરી દીધી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે 4 પૈડાવાળા વાહનથી બંને મહિલાઓ નેપાળના ભદ્રપુર જઈ રહી હતી, તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ચાલકના ફરાર થવાથી આ મામલે શંકા વધુ ઘેરી બની હતી. પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને વાહન ચાલક કુલદીપ શર્માની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના બાદ સરહદી વિસ્તારમાં કોઈ મોટા ગુનાહિત નેટવર્કની સક્રિયતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખોરીબારી પોલીસ સ્ટેશનની પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ છેતરપિંડી પાછળ અન્ય કયા-કયા લોકો સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સચિન કુમાર / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ