
ગૌહાટી, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, મંગોલિયામાં આયોજિત થનારા પવિત્ર પ્રદર્શન કાર્યક્રમ માટે ભગવાન બુદ્ધના બે મુખ્ય શિષ્યો અરહંત સારિપુત્ર અને અરહંત મૌદ્ગલ્યાયનના પવિત્ર અવશેષો લઈને જનારા ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક મંત્રાલયના તત્વાવધાન હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
મધ્ય પ્રદેશના સાંચી વિહાર ચૈત્યમાં સંરક્ષિત આ પવિત્ર અવશેષોને 9 જૂન સુધી મંગોલિયામાં રાખવામાં આવશે. આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રાનો ઉદ્દેશ્ય ભારત અને મંગોલિયા વચ્ચેના સદીઓ જૂના સભ્યતાકીય અને બૌદ્ધ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ સાંચી સ્તૂપ સાથે જોડાયેલા આ પવિત્ર અવશેષો વિશ્વભરના બૌદ્ધ અનુયાયીઓ માટે અત્યંત શ્રદ્ધાનો વિષય છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ પર કરવામાં આવી છે, જેથી ભારત અને મંગોલિયા વચ્ચેના સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક સંબંધોને વધુ ગાઢ બનાવી શકાય. મંગોલિયાને બૌદ્ધ જગતમાં ભારતનું આધ્યાત્મિક પાડોશી માનવામાં આવે છે.
રાજ્યપાલ આચાર્ય શનિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે પવિત્ર અવશેષો લઈને પ્રતિનિધિમંડળ સાથે રવાના થશે. મંગોલિયામાં આયોજિત પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભિક્ષુઓ, વિદ્વાનો અને આધ્યાત્મિક અનુયાયીઓ આ પવિત્ર અવશેષોના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આ આયોજનને ભારત અને મંગોલિયા વચ્ચેની સહિયારી બૌદ્ધ વિરાસત અને ગાઢ મિત્રતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્યના 3 જૂને ભારત પરત ફરવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ