
નવી દિલ્હી, 30 મે (હિ.સ.) કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલયના નેજા હેઠળ દેશભરમાં 1 જૂનથી 'ખેતી બચાવો અભિયાન'ની શરૂઆત થઈ રહી છે. આ અંગે શનિવારે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે, ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને અભિયાનનું કેન્દ્રબિંદુ સંતુલિત અને વિવેકપૂર્ણ ખાતરના ઉપયોગ, હવામાનના પડકારને ધ્યાનમાં રાખીને સમયસર ખેડૂતોને સલાહ, પંચાયત સ્તરે સક્રિય ભાગીદારી અને યોજનાઓના લાભો સીધા ગામડાં સુધી પહોંચાડવા પર રાખવાની વાત કહી હતી. બેઠકમાં ચૌહાણે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા તરીકે એ વાત પર ભાર મૂક્યો હતો કે, રાસાયણિક ખાતરોનો, ખાસ કરીને તેના અસંતુલિત ઉપયોગને ઓછો કરવો એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. ખેડૂતોને જમીન પરીક્ષણ આધારિત, સંતુલિત અને યોગ્ય માત્રામાં ખાતર તેમજ અન્ય કૃષિ સામગ્રીના ઉપયોગ વિશે જાગૃત કરવા, લીલો પડવાસ, જૈવિક અને જૈવ-ઉત્પાદોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ સંકલિત પોષક તત્વોના સંચાલનના પ્રદર્શનો યોજવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કૃષિ મંત્રીએ બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયને લઈને જે હવામાન સંબંધી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વ્યવહારિક સલાહ આપવામાં આવશે કે તેઓ શું કરે અને શું ન કરે, કયો પાક લે, ક્યાં પાક વૈવિધ્યકરણ અપનાવે અને ઓછા પાણી અથવા જોખમની સ્થિતિમાં કયા વિકલ્પો વધુ સારા રહેશે. અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સંદેશ આપવાનો નથી, પરંતુ ખેતરના સ્તરે ખેડૂતને પરિસ્થિતિ મુજબ યોગ્ય સલાહ આપવાનો રહેશે.
બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પંચાયત સ્તરે આ અભિયાનને મજબૂત આધાર આપવામાં આવશે. પંચાયત સ્તરે યાંત્રિકીકરણના મશીનોનું વિતરણ, યોજનાઓનો લાભ અને જ્યાં શક્ય હોય ત્યાં સરકારી કાર્યક્રમોનો સીધો લાભ પણ આ જ અભિયાન હેઠળ સાંકળવા માટે શિવરાજ સિંહે નિર્દેશ આપ્યો હતો.
ચૌહાણે જણાવ્યું હતું કે, આ અભિયાનને માત્ર વિભાગીય સીમાઓ સુધી મર્યાદિત રાખવામાં આવશે નહીં. રાજ્યોના મુખ્યમંત્રીઓને વિનંતી કરવામાં આવશે અને મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ અન્ય જનપ્રતિનિધિઓની પણ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી આ અભિયાન એક વહીવટી કાર્યક્રમથી આગળ વધીને જનભાગીદારીનું એક મજબૂત મોડેલ બની શકે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, આ અભિયાન માટે કૃષિ વિકાસ કેન્દ્રને તમામ સહભાગી સંસ્થાઓ માટે મુખ્ય સંયોજકની ભૂમિકા આપવામાં આવી છે, જેના માટે સાડા 1600 થી વધુ ટીમો બનાવવામાં આવી છે. વધુ ખાતર વપરાશ ધરાવતા 100 જિલ્લાઓ માટે 500 ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં કેવીકે, આઈસીએઆર સંસ્થાના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ સામેલ રહેશે.
કેન્દ્રીય મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે, આ અભિયાનને માત્ર ખાતર વ્યવસ્થાપન સુધી સીમિત રાખવામાં આવશે નહીં, પરંતુ યોજનાઓનો લાભ પણ ખેતર સુધી પહોંચાડવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ-કિસાન યોજનાથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને જોડવા, કઠોળ-તેલીબિયાં મિશન, ઓઈલ પામ, કોટન મિશન, સંતુલિત પોષણ, જમીનનું સ્વાસ્થ્ય, જળ સંરક્ષણ અને ક્ષેત્ર-વિશિષ્ટ કૃષિ સલાહ જેવી પ્રવૃત્તિઓને સંકલિત રીતે જોડવાનો અભિગમ આ અભિયાનને બહુહેતુક અને અસરકારક બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ