
નવી દિલ્હી, 31 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં ભારતીય એથ્લેટ્સની સિદ્ધિઓની પ્રશંસા કરતા કહ્યું કે, તાજેતરમાં ઝારખંડના રાંચીમાં આયોજિત નેશનલ સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધામાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણા રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા.
વડાપ્રધાને 'મન કી બાત'ના 134મા સંસ્કરણમાં જણાવ્યું કે, સ્પર્ધામાં દેશભરમાંથી લગભગ 800 એથ્લેટ્સે ભાગ લીધો હતો. આ દરમિયાન 4 અલગ-અલગ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય રેકોર્ડ તૂટ્યા. તેમણે ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમારને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા.
વડાપ્રધાને ખાસ કરીને 100 મીટર દોડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સ્પર્ધાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. તેમણે જણાવ્યું કે, માત્ર 2 દિવસની અંદર પુરુષ વર્ગની 100 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ 3 વખત તૂટ્યો. આ સિદ્ધિ ગુરિંદરવીર સિંહ અને અનિમેષ કુજુરે મેળવી છે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને બંને એથ્લેટ્સ સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું કે, સંગીતમાં જુગલબંધી તો જોવા મળતી જ રહી છે, પરંતુ હવે રમતોમાં પણ પડકારની જુગલબંધી જોવા મળી રહી છે, જ્યાં એક ખેલાડી રેકોર્ડ બનાવે છે અને બીજો તેને પાછળ છોડી દે છે. તેમણે બંને ખેલાડીઓની મહેનત અને પ્રદર્શનની પ્રશંસા કરી.
વડાપ્રધાને કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરની પરંપરાગત 'કલારી ચીઝ'નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ ભારતની સાંસ્કૃતિક અને ખાદ્ય વારસાનો મહત્વનો ભાગ છે. વડાપ્રધાને બ્રાઝિલમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય ચીઝ સ્પર્ધામાં કલારી ચીઝને મળેલી વૈશ્વિક ઓળખ અને સફળતાની પણ પ્રશંસા કરી.
તેમણે કહ્યું કે, 'મન કી બાત'માં કલારી ચીઝનો ઉલ્લેખ થયા પછી તેની લોકપ્રિયતા અને વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વડાપ્રધાને તેને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ અપાવવાનું એક સારું ઉદાહરણ ગણાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ