
નવી દિલ્હી, 31 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે કહ્યું કે અહિલ્યાબાઈ હોલ્કરનું જીવન સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, સમગ્ર દેશ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની બુદ્ધિમત્તા, કરુણા અને જનકલ્યાણ પ્રત્યેની અતૂટ નિષ્ઠા માટે શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે.
તેમણે કહ્યું કે, તેમનું જીવન સુશાસન, રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે સાહસ અને કર્તવ્યનિષ્ઠા સાથે શાસન કર્યું.
વડાપ્રધાને ન્યાય અને જનકલ્યાણના ક્ષેત્રમાં તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને ઐતિહાસિક ગણાવ્યું. સાથે જ દેશભરમાં ધાર્મિક સ્થળો અને તીર્થધામોના પુનઃનિર્માણમાં તેમની ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે, અહિલ્યાબાઈ હોલ્કરનું જીવન સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે સમર્પણનું પ્રતીક છે અને આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતું રહેશે.
ઉલ્લેખનીય છે કે, અહિલ્યાબાઈ હોલકર 18મી સદીમાં ઇન્દોર રાજ્યના શાસક હતા અને તેઓ હોલ્કર વંશ સાથે સંબંધિત હતા. તેમનો શાસનકાળ 1725 થી 1795 વચ્ચેનો માનવામાં આવે છે. તેમણે રાજધાની મહેશ્વરથી વહીવટ ચલાવ્યો અને તેઓ સુશાસન માટે પ્રસિદ્ધ રહ્યા. તેમણે કાશી વિશ્વનાથ, સોમનાથ સહિત દેશભરના અનેક અગ્રણી મંદિરો અને તીર્થ સ્થળોના પુનઃનિર્માણ તેમજ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના શાસનને ન્યાયપ્રિય, જનહિતકારી અને સાંસ્કૃતિક પુનરુત્થાન સાથે જોડાયેલું માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ