દિલ્હીમાં સોમવારે જળ નવીનતા સાથે જોડાયેલા 'મહા મિશન' અને 'ભારત-વિન પોર્ટલ'નો શુભારંભ થશે
નવી દિલ્હી, 31 મે (હિ.સ.). ભારતના જળ સંશોધન અને નવીનતા (ઇનોવેશન) ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે, સોમવારે દિલ્હી સ્થિત ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં સરકાર, ઉદ્યોગ જગત અને શિક્ષણ જગતના દિગ્ગજો એક રાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લેશે. જળ શક્તિ મંત્રાલ
જલ શક્તિ મંત્રાલય


નવી દિલ્હી, 31 મે (હિ.સ.). ભારતના જળ સંશોધન અને નવીનતા (ઇનોવેશન) ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે, સોમવારે દિલ્હી સ્થિત ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં સરકાર, ઉદ્યોગ જગત અને શિક્ષણ જગતના દિગ્ગજો એક રાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લેશે.

જળ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'જળ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળા'નો ઉદ્દેશ્ય દેશમાં જળ નવીનતાની આગામી લહેરને ગતિ આપવાનો છે.

આ દરમિયાન, મંત્રાલય અને ઇસરો વચ્ચે થનારા એક ઐતિહાસિક કરારની સાથે, આ કાર્યશાળામાં 'મહા મિશન' અને 'ભારત-વિન પોર્ટલ'નો શુભારંભ કરવામાં આવશે, જે દેશમાં જળ નવીનતા અને સ્ટાર્ટઅપ્સને એક નવી ગતિ આપશે.

આ એક દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહ અને જળ શક્તિ રાજ્ય મંત્રી રાજ ભૂષણ ચૌધરી કરશે. આ પ્રસંગે અવકાશ વિભાગના સચિવ અને ઇસરોના અધ્યક્ષ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ, જળ સંરક્ષણ અને કૃષિ વિભાગના સચિવ તેમજ રાષ્ટ્રીય જળ મિશનના અધિક સચિવ અને મિશન નિયામક ડૉ. વી. નારાયણન સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને હિતધારકો ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે 'મિશન ફોર એડવાન્સમેન્ટ ઇન હાઇ-ઇમ્પેક્ટ એરિયાઝ ફોર વોટર'નો શુભારંભ થશે. આ જળ શક્તિ મંત્રાલય અને એએનઆરએફની એક સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ્ય પીવાનું પાણી, આબોહવા પરિવર્તન અને પાણીના વપરાશની કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં અદ્યતન સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.

આ ઉપરાંત, જળ ક્ષેત્રમાં નવી પ્રોડક્ટ્સ અને પ્રોટોટાઇપ વિકાસને ટેકો આપવા માટે મંત્રાલય 'ભારત-વિન પોર્ટલ' હેઠળ સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ માટે એક ખુલ્લી આમંત્રણ પ્રક્રિયા શરૂ કરશે.

આ જ દરમિયાન, 'કેચ ધ રેન' નામનું એક સહભાગી ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે. તે નાગરિકો અને સ્થાનિક સંસ્થાઓને જળ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહના પ્રયાસોને નોંધવા અને પ્રદર્શિત કરવા માટે સક્ષમ બનાવશે.

જળ સંસાધન આકારણી અને દેખરેખ માટે ઉપગ્રહ-આધારિત અદ્યતન ટેકનોલોજીને મજબૂત કરવા માટે બંને સંસ્થાઓ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે, જે અંતર્ગત 24 અગ્રતા ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી ચૂકી છે.

આ કાર્યશાળામાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન, નદીની આકૃતિ વિજ્ઞાન (મોર્ફોલોજી), પૂરના મેદાનોનું મેપિંગ, ડેમ સુરક્ષા, શહેરી એક્વિફર મેપિંગ અને જળ શાસનમાં રિમોટ સેન્સિંગના ઉપયોગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર તકનીકી સત્રો યોજવામાં આવશે.

આ સાથે જ, છેલ્લા 12 વર્ષોમાં જળ ક્ષેત્રે થયેલા સંશોધનોની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને 16મા નાણાં પંચના ચક્ર માટે વ્યૂહાત્મક અગ્રતાઓ પર વિગતવાર ચર્ચા થશે.

આ દરમિયાન, એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શન સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટકાઉ જળ વ્યવસ્થાપન માટે વિકસાવવામાં આવેલા તેમના અદ્યતન ઉકેલો અને નવીન ટેકનોલોજીઓ પ્રદર્શિત કરવા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande