
ભાવનગર 14 જૂન (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે દ્વારા 13 અને 14 જૂન, 2026ના રોજ ભાવનગર મંડળ હેઠળ આવેલા વિવિધ રેલવે સ્ટેશનો તથા રેલખંડોનું વ્યાપક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન તેમણે યાત્રી સુવિધાઓ, આધારભૂત માળખું, સંરક્ષા, સ્વચ્છતા અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી. તેમની સાથે ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
તેમના પ્રવાસની શરૂઆત વાંસજાળિયા રેલવે સ્ટેશનના નિરીક્ષણથી થઈ હતી, જ્યાં તેમણે પ્લેટફોર્મ, યાત્રી સુવિધાઓ તથા રેલવે કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું અવલોકન કર્યું. તેમણે સ્ટેશન સંચાલન, આધારભૂત માળખાના જાળવણી કાર્યો, સ્વચ્છતા, યાત્રી સુવિધાઓ તથા કર્મચારીઓના કલ્યાણ સંબંધિત વ્યવસ્થાઓની વિસ્તૃત સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે રેલવે કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા કરી તેમજ સંરક્ષિત અને અવરોધમુક્ત રેલ સંચાલન માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો.
ત્યારબાદ પાંડે દ્વારા જેતલસર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે યાત્રી સુવિધાઓ, સ્ટેશન પરિસરની સ્વચ્છતા, સર્ક્યુલેટિંગ એરિયા તથા સમગ્ર જાળવણી વ્યવસ્થાનું અવલોકન કર્યું. યાત્રિયોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીનો અનુભવ મળે તે માટે જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને સ્ટેશન પરિસરને સ્વચ્છ તથા સુવ્યવસ્થિત રાખવા પર વિશેષ ભાર મૂક્યો.
જેતલસર પ્રવાસ દરમિયાન મહાપ્રબંધકે જેતપુરના માનનીય ધારાસભ્ય જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા તથા અન્ય જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને વિવિધ રેલવે સંબંધિત મુદ્દાઓ તેમજ વિસ્તારમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરી. બેઠક દરમિયાન યાત્રી સુવિધાઓના વિસ્તરણ, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉન્નતીકરણ તથા ભાવિ વિકાસ યોજનાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો.
મહાપ્રબંધકે જેતલસર સ્ટેશન પર મીડિયા પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો અને વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપી. તેમણે યાત્રી સેવાઓના ઉન્નતીકરણ, આધારભૂત માળખાના વિકાસ તથા રેલવે સુવિધાઓના આધુનિકીકરણ માટે પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી રહેલા સતત પ્રયાસો અંગે પ્રકાશ પાડ્યો.
પાંડે દ્વારા સોમનાથ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે પ્રસ્તાવિત સ્ટેશન રૂપાંતરણ દર્શાવતા પ્રોજેક્ટના લઘુ મોડેલનું અવલોકન કર્યું અને કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટનું સમયબદ્ધ અને ગુણવત્તાસભર અમલીકરણ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો. સાથે જ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો.
પ્રવાસ દરમિયાન પાંડે દ્વારા સાસણ ગીર રેલવે સ્ટેશન તથા સાસણ ગીર હોલિડે હોમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ તેમજ જાળવણી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.
આ ઉપરાંત તેમણે જૂનાગઢ રેલવે સ્ટેશનની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. તેમણે યાત્રી સુવિધાઓ, સંરક્ષા ધોરણો તથા સલામતી સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.
તેમના નિરીક્ષણ કાર્યક્રમ અંતર્ગત પાંડે દ્વારા, ભાવનગર મંડળના વાંસજાળિયા–વેરાવળ રેલખંડનું મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા સાથે વિન્ડો ટ્રેલિંગ સંરક્ષા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. આ દરમિયાન રેલપથની સ્થિતિ, સંચાલન કાર્યક્ષમતા, સિગ્નલિંગ વ્યવસ્થા તથા વિવિધ સંરક્ષા માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમણે રેલ સંચાલનની સંરક્ષા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી.
મહાપ્રબંધકે જણાવ્યું કે, નિયમિત સંરક્ષા નિરીક્ષણો સુરક્ષિત, વિશ્વસનીય અને અવરોધમુક્ત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ તે મુસાફરોની સુરક્ષા તથા ઉત્તમ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
પશ્ચિમ રેલવે યાત્રિયોને સુરક્ષિત, આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત પ્રતિબદ્ધ છે. મહાપ્રબંધકનો આ નિરીક્ષણ પ્રવાસ વિસ્તારમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા તથા રેલવે સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ