






પોરબંદર, 14 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોની શ્રેણીમાં પોરબંદરના તાજાવાલા હોલ ખાતે વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 12 વર્ષના નેતૃત્વમાં દેશની રાજનીતિમાં વિકાસ કેન્દ્રસ્થાને રહ્યો છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ, હોસ્પિટલ, એરપોર્ટ અને અન્ય વિકાસલક્ષી કાર્યો મુખ્ય મુદ્દા બન્યા છે. તેમણે જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મફત અનાજ વિતરણ, આયુષ્માન ભારત અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓને સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવનારી ગણાવી હતી.
દેશની આર્થિક પ્રગતિ અંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 બાદ ટેક્સમાં વધારો કર્યા વિના કેન્દ્ર સરકારનું બજેટ આશરે ₹28 લાખ કરોડથી વધીને ₹52 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જીએસટી સહિતના કર સુધારાઓ, સુશાસન અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણના પરિણામે સરકારની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે દેશમાં હાઇવે નિર્માણની ગતિ બમણી થઈ છે, એરપોર્ટોની સંખ્યા 70 થી વધીને 160થી વધુ થઈ છે અને ભારતનો આર્થિક વિકાસ દર આશરે 7.5ટકા દરે વધી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે મજબૂત વિદેશ નીતિના કારણે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ દેશોના સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયા છે, જે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને કૂટનીતિક સફળતાનું પ્રતિબિંબ છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન, જલ જીવન મિશન અને સર્વગ્રાહી વીજળીકરણ જેવી યોજનાઓ દ્વારા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ, ઘરે-ઘરે પીવાના પાણીની સુવિધા અને વીજળી કનેક્શન ઉપલબ્ધ થતાં લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. ઉપરાંત, નવા ગ્રામ્ય માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણથી વિકાસને વધુ વેગ મળ્યો છે.
તેમણે જણાવ્યું કે ભારત આજે સેમિકન્ડક્ટર અને વેક્સિન ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. દેશમાં મંજૂર થયેલી 12 સેમિકન્ડક્ટર યુનિટમાંથી 6 યુનિટ ગુજરાતમાં છે, જેના કારણે ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
વન પર્યાવરણ મંત્રીએ ધોલેરા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ધોલેરાના વિકાસ પર વિશ્વના અનેક દેશોની નજર છે. ભારતની વધતી આર્થિક શક્તિના કારણે વૈશ્વિક રોકાણની તકો વધી રહી છે, જેના પરિણામે સુરત, અમદાવાદ અને જેતપુર સહિત ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ નવી તકો પ્રાપ્ત થઈ રહી છે. તેમણે નાગરિકોને દેશના વિકાસ અને આર્થિક પ્રગતિમાં સકારાત્મક યોગદાન આપવા તથા ભ્રામક પ્રચારથી સાવચેત રહેવાની અપીલ કરી હતી.
પ્રબુદ્ધ નાગરિક સંમેલનના મુખ્ય વક્તા હિરેન હીરપરાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને તેના પરિણામે દેશમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વાત કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ નેતૃત્વ હેઠળ દેશના સર્વાંગી વિકાસની વાત કરી હતી. તેમણે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના મંત્ર સાથે સતત કાર્યરત રહેવા સૌને આહ્વાન કર્યું હતું. અને આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કપીલ કોટેચાએ કર્યું હતું
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા,પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા,સંગઠન પ્રભારી મંત્રી વિમલ કગથરા,ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરવા, પ્રવીણ ઓડેદરા, ભાનુ પ્રકાશસ્વામી,સુદામા ડેરીના ચેરમેનઆકાશ રાજશાખા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya