


વડોદરા , 14 જૂન (હિ.સ.) ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાને લઈને આજે વધુ એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યભરમાં પોલીસ દળમાં જોડાવા ઉત્સુક લાખો યુવાનો માટે આજે પ્રતિષ્ઠા જંગ ખેલાશે. શારીરિક કસોટી પાસ કરનારા આશરે અઢી લાખથી વધુ ઉમેદવારો આજે રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પોતાની લેખિત કસોટી આપશે. ગૃહ વિભાગ અને ભરતી બોર્ડ દ્વારા આ મેગા પરીક્ષાને શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલમાં પૂર્ણ કરવા આવશે. લોક રક્ષક કેડર માં 6.36 લાખમાંથી 2.63 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.
પોલીસ ભરતી બોર્ડના સત્તાવાર આંકડા મુજબ, લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ) માં અંદાજિત 6.36 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ કડક શારીરિક પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈને કુલ 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા આપવા માટે ક્વોલિફાય (લાયક) ઠર્યા છે, જેઓ આજે પોતાનું નસીબ અજમાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ