
સુરત, 14 જૂન (હિ.સ.) : લોકરક્ષક દળ (LRD) ની પરીક્ષા આપવા જતાં એક વિદ્યાર્થીનું કોલ લેટર રસ્તામાં પડી જતાં ગુમ થઈ ગયું હતું. પાલ વિસ્તારના ભૂલકા વિહાર સ્કૂલ ખાતે આવેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીને આ બાબતની જાણ થઈ હતી.
વિદ્યાર્થીની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પાલ પોલીસ તરત જ મદદે આવી હતી. આજે રવિવાર હોવાથી આસપાસની ઝેરોક્ષની દુકાનો બંધ હોવાથી વધારે સમસ્યા થઈ હતી. વિદ્યાર્થીને સરકારી વાહનમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેના મોબાઈલમાં રહેલી કોલ લેટરની ડિજિટલ કોપીના આધારે નવી પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને સરકારી વાહનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સમયસર કોલ લેટર મળતાં અને કેન્દ્ર પર પહોંચતાં વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહી શક્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે