પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની મહત્વપૂર્ણ જાહેરાતો
પોરબંદર, 14 જૂન (હિ.સ.) : પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પત્રકારો સાથેના સંવાદ દરમિયાન પોરબંદર જિલ્લાના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની મહત્વપૂર્ણ જાહેરાતો


પોરબંદર, 14 જૂન (હિ.સ.) : પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પત્રકારો સાથેના સંવાદ દરમિયાન પોરબંદર જિલ્લાના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિના પંથે છે ત્યારે પોરબંદર લોકસભા વિસ્તારમાં પણ વિકાસના અનેક પ્રોજેક્ટથી પોરબંદર ઉદ્યોગ રોજગારી અને સર્વાંગી વિકાસનું મોડલ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

પોરબંદર મહાનગરના લોકોના અતુટ વિશ્વાસ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો પક્ષપાત રાખ્યા વગર સમગ્ર પોરબંદરના તમામ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનો છે. પોરબંદર ની નવી ટીમ સાથે બેસીને સર્વાંગી ગ્રાન્ટનો ઉપયોગ કરીને શહેરની સુખાકારી માટે વિવિધ પ્રોજેક્ટ પાર પાડવાના છે.

કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોથી પોરબંદર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે, જેના કારણે આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.

મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાણાવાવ ખાતે નવા રેલવે યાર્ડના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે અને જાન્યુઆરી-2027માં તેના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવશે.આ રેલવે યાર્ડ કાર્યરત બન્યા બાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી દેશના વિવિધ ભાગો સુધી મોટી અંતરની રેલવે ટ્રેનોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે મુસાફરોને વધુ સગવડ મળશે તેમજ પ્રદેશના આર્થિક વિકાસને પણ વેગ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટના વિસ્તરણ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીને આગળ વધારવા માટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સંબંધિત વિભાગો સાથે સતત સંકલન અને ફોલોઅપ કરી રહ્યા છે. એરપોર્ટ વિસ્તરણનું કાર્ય પૂર્ણ થયા બાદ પોરબંદરની હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થશે, જેના પરિણામે પ્રવાસન, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને સીધો લાભ મળશે.

કેન્દ્રીય મંત્રીશએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત પોરબંદરના નિર્માણ માટે સમગ્ર ટીમ સતત કાર્યરત છે. પોરબંદરમાં દેશનું પ્રથમ ફર્નિચર પાર્ક સ્થાપિત થાય તે દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ સંદર્ભે આજે ફર્નિચર એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉદ્યોગજગત સાથે સંકળાયેલા અગ્રણીઓ અને રોકાણકારો સાથે ચર્ચા કરવામાં આવશે.

તેમણે વધુમાં ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પોરબંદર-અમદાવાદ વાયા મુંબઈ ફ્લાઇટ સેવાને મંજૂરી મળી ગઈ છે અને આગામી તા. ૨૫ જૂનથી આ ફ્લાઇટ સેવા શરૂ થશે. આ નવી હવાઈ સેવા શરૂ થતાં પોરબંદરની દેશના મહત્વપૂર્ણ શહેરો સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં પોરબંદર જિલ્લો વિકાસના નવા માપદંડો સ્થાપિત કરશે અને વિવિધ માળખાકીય સુવિધાઓના વિસ્તરણથી જિલ્લાના નાગરિકોના ગુણાત્મક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande