



પોરબંદર, 14 જૂન (હિ.સ.) : પોરબંદર ખાતે જિલ્લા વિકાસ સંકલન અને મોનિટરિંગ સમિતિ (દિશા)ની બેઠક કેન્દ્રીય શ્રમ, રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લામાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવા સંબંધિત વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષકોની સન્માનિત અને પ્રોત્સાહિત કરી તેમની સાથે સંવાદ કરીને જિલ્લાની ટીમ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક પ્રોજેક્ટ હાથ ધરે તેવી પહેલ માટે પણ તેઓએ પ્રેરણા આપી હતી. દર ત્રણ મહિને એક અધિકારી પદાધિકારી શાળામાં જાય, શિક્ષક સોસાયટી સાથે જોડાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.તેમણે તાલુકા અને જિલ્લા સ્તરના પદાધિકારીઓને દર મહિને વિવિધ વિકાસ કાર્યો અંગે પ્રેઝન્ટેશન અને ઓરિએન્ટેશન યોજવા પણ સૂચન કર્યું હતું.
તેમણે સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવા, પ્લાસ્ટિક મુક્તિ માટે જનજાગૃતિ લાવવા તથા આગામી 21 જૂને યોજાનારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં તમામ ગામોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. ઉપરાંત વિદેશ અથવા અન્ય સ્થળોએ વસતા ગામના લોકોની સહભાગિતાથી ગામોના લોકકલ્યાણના કાર્યો હાથ ધરવા, ઉપલબ્ધ સરકારી જમીન પર રમતગમતના મેદાનો વિકસાવવા અને વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષકો-પ્રગતિશીલ ગ્રામજનોના સન્માન જેવા કાર્યક્રમો યોજવા અંગે પણ સૂચનો આપ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ જિલ્લા ખનિજ પ્રતિષ્ઠાન (DMF)ની ગ્રાન્ટનો ઉપયોગ સામૂહિક સુખાકારી માટેના વિકાસલક્ષી કાર્યોમાં થાય તેવા આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પોરબંદર રેલવે યાર્ડ નિર્માણની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા અને પોરબંદર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ (રિસ્ટોરેશન)ના કાર્યોને ગતિ આપવા અંગે પણ ભાર મૂક્યો હતો.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર રેલવે સ્ટેશનના રિસ્ટોરેશન તેમજ માધવપુરથી હર્ષદ સુધીના માર્ગ પર આવેલા ગામોમાં બાકી રહેલા સર્વિસ રોડના કામોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં ડિસેમ્બર-2025 સુધીની વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, સમાજ સુરક્ષા, પુરવઠા, સમાજ કલ્યાણ,પીજીવીસીએલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, વાસ્મો, રેલવે, નેશનલ હાઈવે તેમજ નગરપાલિકાઓના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મંત્રીએ વિવિધ વિભાગોની કામગી વધુ સુદઢ બનાવવા માટે સૂચન કર્યું હતું
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ ભૂતિયા, કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ પરમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી હર્ષવર્ધન જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમગ્ર ટીમ દ્વારા આ મિટિંગનું સુંદર સંકલન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya