
સુરત, 14 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાંદેર ઝોન વિસ્તારમાં નવયુગ કોલેજ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી અને સુરતના મેયર માયાબેન માવાણી ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રો તેમજ સહાય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના સફળ 12 વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ શિબિરો દ્વારા વિકાસના લાભો સીધા જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમણે જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત, નળ સે જળ, પીએમ કિસાન સન્માન નિધિ, મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઉજ્જવલા જેવી યોજનાઓના લાભોની વિગતો આપી હતી.
મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. જનકલ્યાણ શિબિરો દ્વારા સરકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મનપાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે