


પોરબંદર, 14 જૂન (હિ.સ.) : 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પોરબંદર જિલ્લામાં 'યોગા ફોર હેલ્ધી એજિંગ' (Yoga for Healthy Aging) એટલે કે 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' થીમ સાથે 12મા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
પોરબંદર જિલ્લા કક્ષાનો મુખ્ય વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ હુજુર પેલેસ પાછળ ચોપાટી ખાતે યોજાશે. જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, શાળાઓ, કોલેજો તેમજ અન્ય સરકારી કચેરીઓમાં પણ વિશ્વ યોગ દિવસની વ્યાપક ઉજવણી કરવામાં આવશે.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તેમજ કોલેજો, શાળાઓ અને પોલીસ સ્ટેશનો સહિત વિવિધ સ્થળોએ યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યક્રમ માટે મહત્તમ રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા, વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવા તેમજ વિશ્વ યોગ દિવસની ઉજવણી ભવ્ય અને સફળ બને તે માટે જરૂરી આયોજન કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ જિલ્લાના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાય તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની ઉજવણી વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના સર્વાંગી અને અવિરત વિકાસના 12 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન દેશમાં માળખાકીય અને આર્થિક વિકાસ સાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને વિરાસતને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. તેમના પ્રયાસોથી ભારતીય યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે અને આજે સમગ્ર વિશ્વ યોગના મહત્ત્વને સ્વીકારી રહ્યું છે.
યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસત છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે યોગ એક અસરકારક માધ્યમ છે. ખાસ કરીને વધતી ઉંમરે પણ સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવન જીવવા માટે યોગ અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
આ બેઠકમાં પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. એલ. વાઘાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલ ચૌહાણ, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણા પાડાંવદરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓના સંબંધિત અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya