ભાવનગર વોકિંગ ગ્રુપનો અનોખો સામાજિક સંદેશ : ઇલેક્ટ્રિક બસમાં પ્રવાસ કરી પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ
ભાવનગર, 15 જૂન (હિ.સ.) : ભાવનગર યુનિવર્સિટીના ગાંધી કેમ્પસમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત વોકિંગ ગ્રુપ માત્ર આરોગ્યપ્રદ જીવનશૈલી પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ વિવિધ સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
વોકિંગ ગ્રુપ


ભાવનગર, 15 જૂન (હિ.સ.) : ભાવનગર યુનિવર્સિટીના ગાંધી કેમ્પસમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત વોકિંગ ગ્રુપ માત્ર આરોગ્યપ્રદ જીવનશૈલી પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ વિવિધ સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. ડૉ. કિશોરભાઈ સોલંકી અને ડૉ. કમલેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષોના જતન, પક્ષીઓને ચણ નાખવાની સેવા, કુંડાનું વિતરણ તેમજ સરકારી જનજાગૃતિ અભિયાનોમાં સક્રિય સહભાગિતા કરવામાં આવે છે.

તાજેતરમાં ગ્રુપના 30થી વધુ સભ્યોએ પોતાના પરિવારજનો સાથે નીલમબાગ સર્કલથી રાજપરા સ્થિત ખોડિયાર માતાજીના મંદિર સુધી ભાવનગર મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક સિટી બસમાં મુસાફરી કરી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હતો.

ગ્રુપના મોટાભાગના સભ્યો પાસે વ્યક્તિગત વાહનો હોવા છતાં તેમણે જાહેર પરિવહનનો ઉપયોગ કરીને એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બસમાં મુસાફરી દરમિયાન અન્ય મુસાફરોએ પણ આ પહેલને વખાણી હતી અને પર્યાવરણ પ્રત્યેની તેમની જાગૃતિની પ્રશંસા કરી હતી.

ખોડિયાર માતાજીના મંદિરે પહોંચ્યા બાદ સભ્યોએ આરતી કરી અને ભાવનગર સહિત સમગ્ર ગુજરાતની પ્રજાના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ આગામી વર્ષ સૌ માટે આરોગ્યમય અને તંદુરસ્ત રહે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.

આ અભિયાનમાં ડૉ. કિશોરભાઈ સોલંકી, ડૉ. નીપાબેન સોલંકી, ડૉ. પરેશભાઈ સોલંકી, શીતલબેન સોલંકી, ડૉ. નરેશભાઈ ગોહેલ, ડૉ. મનસુખભાઈ કાનાણી, ડૉ. મેધાબેન કાનાણી, ચેતનાબેન કાનાણી, ડૉ. મહાવીરસિંહ જાડેજા, ડૉ. શોભનાબેન જાડેજા, ડૉ. દેવાંગ પવાર, કેતનભાઈ કનાડા, પરેશભાઈ અને અન્ય સભ્યો જોડાયા હતા. ડૉ. ધીરુભાઈ ચાવડા અને ડૉ. મનસુખભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે આવા સામાજિક અને ધાર્મિક પ્રવાસો સમાજમાં એકતા, સમરસતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande