ગરમી અને ઉકળાટ વચ્ચે જામનગર શહેર-જિલ્લાના હવામાનમાં અચાનક પલટો; છૂટાછવાયા વરસાદની શક્યતાઓ
જામનગર, 15 જૂન (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં આજે હવામાનમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં કાળા અને સફેદ વાદળોના આટા-ફેરા જોવા મળી રહ્યા છે. સૂર્યદેવ પણ વાદળોની પાછળ સંતાકૂકડી રમતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે શહેરમાં
વાતાવરણમાં પલટો


જામનગર, 15 જૂન (હિ.સ.) :

જામનગર શહેર અને જિલ્લામાં આજે હવામાનમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં કાળા અને સફેદ વાદળોના આટા-ફેરા જોવા મળી રહ્યા છે. સૂર્યદેવ પણ વાદળોની પાછળ સંતાકૂકડી રમતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે શહેરમાં ધૂપ-છાંવ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યા વાતાવરણ અને ગરમીથી લોકો પરેશાન હતા, પરંતુ આજે પવનની દિશા અને વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી જામનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાન્ય રીતે દરરોજ 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો આજે ધીમા પડી ગયા છે. પવનની ગતિમાં ઘટાડો થતાં વાતાવરણમાં દબાણની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું પણ હવામાન નિરીક્ષકો માની રહ્યા છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વરસાદ માટે અનુકૂળ બની શકે છે.

આજે તા. 15 જૂન, 2026ના રોજ જામનગરમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ 16.5 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.

હાલના વાદળછાયા વાતાવરણ અને વધતા ભેજને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. જો આગામી કલાકોમાં વાદળોની ઘનતા વધશે તો શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોની નજર હવે મેઘરાજાની પ્રથમ સત્તાવાર એન્ટ્રી પર મંડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande