15 વર્ષની રાહનો અંત: સાવરકુંડલાના વોર્ડ 3 અને 8માં નવી ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત
અમરેલી,15 જૂન (હિ.સ.) સાવરકુંડલા શહેરના વોર્ડ નં. 3 અને 8ના નાગરિકો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી ગટર વ્યવસ્થાની સમસ્યાના કાયમી નિરાકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. છેલ્લા અંદાજે 15 વર્ષથી સ્થાનિક રહેવાસીઓ ગટર ઓવરફ્લો, ગંદા પાણીના ભરાવા
15 વર્ષની રાહનો અંત: સાવરકુંડલાના વોર્ડ 3 અને 8માં નવી ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત


અમરેલી,15 જૂન (હિ.સ.) સાવરકુંડલા શહેરના વોર્ડ નં. 3 અને 8ના નાગરિકો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી ગટર વ્યવસ્થાની સમસ્યાના કાયમી નિરાકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. છેલ્લા અંદાજે 15 વર્ષથી સ્થાનિક રહેવાસીઓ ગટર ઓવરફ્લો, ગંદા પાણીના ભરાવા અને ચોમાસા દરમિયાન સર્જાતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. હવે આ સમસ્યાના ઉકેલ માટે જેસર રોડ સ્થિત સરદાર પટેલ સોસાયટી ખાતે નવી ગટર લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વોર્ડ નં. 3 અને 8ના હજારો નાગરિકોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થાનો લાભ મળશે. નવી ગટર લાઇનથી ગંદા પાણીના નિકાલની ક્ષમતા વધશે, જેના કારણે વરસાદી મોસમ દરમિયાન સર્જાતી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. સાથે જ જાહેર સ્વચ્છતા અને આરોગ્યના માપદંડોમાં પણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ માટે પાયાની સુવિધાઓને મજબૂત બનાવવી અત્યંત જરૂરી છે. ગટર, રસ્તા, પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી સુવિધાઓ નાગરિકોના જીવનસ્તર સાથે સીધી રીતે જોડાયેલી છે. વર્ષોથી લોકો દ્વારા રજૂ કરવામાં આવતી આ માંગણીને ધ્યાનમાં રાખી નવી ગટર લાઇનના કામને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્થાનિક રહેવાસીઓએ પણ આ કામગીરીને આવકારી હતી અને જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાના ઉકેલ માટે શરૂ થયેલું આ કામ વિસ્તારના લોકો માટે રાહતરૂપ સાબિત થશે. નવી ગટર લાઇનનું કામ પૂર્ણ થયા બાદ વિસ્તારના નાગરિકોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળશે, જેના કારણે તેમના જીવનની ગુણવત્તામાં પણ વધારો થશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande