
પાટણ, 15 જૂન (હિ.સ.) : અધિક પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે પાટણના પંચીવાળા વાડી ખાતે વિજળકુવા મોઢ મોદી (ઘાંચી) જ્ઞાતિ સમાજ દ્વારા ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન ભગવાન કૃષ્ણચંદ્રના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય નંદ મહોત્સવ ઉજવાયો, જેમાં નંદ ઘેર આનંદ ભયોના ગુંજતા નાદ વચ્ચે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યા હતા.
ઉત્સવ દરમિયાન દહીં હાંડી તેમજ ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ બાળલીલાઓની આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે હરિભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વ્યાસપીઠ પરથી ઉર્જિતભાઈ બાલકૃષ્ણ જોશીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવતાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
નંદ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે સ્વ. ગીરજાબેન રમણલાલ ચીમનલાલ પંચીવાળા (વકીલ) પરિવારે ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન વિજળકુવા કારોબારી સભ્ય ધ્રુવિલ મોદી, મોહલ્લાના રહીશો અને બજરંગ યુવક મંડળના સહયોગથી થયું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ