વડોદરામાં યુસુફ પઠાણને જમીન ફાળવણી કેસમાં હાઇકોર્ટે 4 અઠવાડિયાનો સમય આપ્યો, જેટલું મોડું કરશો એટલો દંડ વધશે
અમદાવાદ, 15 જૂન (હિ.સ.) : વડોદરામાં યુસુફ પઠાણને જમીન ફાળવણી કેસમાં ગુજરાત હાઇકોર્ટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે જેટલું મોડું કરશો એટલો દંડ વધશે વડોદરા મનપા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને જમીન ફાળવણી વિ
Yusuf Pathan


અમદાવાદ, 15 જૂન (હિ.સ.) : વડોદરામાં યુસુફ પઠાણને જમીન ફાળવણી કેસમાં ગુજરાત હાઇકોર્ટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે જેટલું મોડું કરશો એટલો દંડ વધશે

વડોદરા મનપા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને જમીન ફાળવણી વિવાદમાં હાઇકોર્ટે વધુ 4 અઠવાડીયાનો સમય આપ્યો છે.

જમીન ખાલસા કરવાના સિંગલ જજના ચુકાદા બાદ યુસુફે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે.

અપીલમાં આજે યુસુફ દ્વારા સિવિલ એપ્લિકેશન દાખલ કરી સમય માંગવામાં આવ્યો હતો. જેમાં યુસુફે કહ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણીની સરકારની પોલિસી તેઓ કોર્ટ સમક્ષ મુકવા માંગે છે, જે માટે સમયની જરૂર છે. ત્યાર બાદ કોર્ટે કહ્યું અમે તમને સમય આપીએ છીએ. પરંતુ જેટલું તમે મોડું કરશો એટલો દંડ વધુ થશે, કારણકે વર્ષ 2014 થી જમીન ઉપર તમારો અનધિકૃત કબ્જો છે.

જમીન વિવાદના કેસની વાત કરીએ તો, યુસુફ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરતા વર્ષ 2012માં સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા પ્રસ્તાવ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપી પછી તેની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી.

યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2024માં અરજી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 જૂન,2024ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં વીએમસીએ અરજદારને તેમની તરફેણમાં જાહેર હરાજી વિના 99 વર્ષના લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકાર્યો હતો અને પ્લોટ પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારના 9 જૂન ,2014ના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં અરજદારને પ્લોટ ન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.

હાઈકોર્ટના સિંગલ જજે નોંધ્યું હતું કે, અરજદાર પાસે પ્લોટના કબજા અંગે કોઈ કાયદેસરનો આદેશ કે ફાળવણી પત્ર ન હોવા છતાં, તેમણે ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવીને પ્લોટ પર કબજો જમાવ્યો હતો, જે દબાણ સમાન છે. અરજદારનો દાવો હતો કે વીએમસી સ્વાયત્ત સંસ્થા છે, તેથી રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અહીં મુદ્દો ફક્ત સેક્શન 79 નો નથી, પરંતુ જાહેર હરાજીની પ્રક્રિયા ટાળવા માટે દરખાસ્ત સરકારને મોકલવામાં આવી હતી.

ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું ઘર વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલું છે. આખો વિવાદ શુભમ પાર્ટી પ્લોટ પાસે 978 ચો.મી.ના પ્લોટ સાથે સંબંધિત છે.

યુસુફ પઠાણે વર્ષ 2012માં જમીનની માલિકીની અરજી કરી હતી, જેને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં રાજ્ય સરકારે તેને ફગાવી દીધી હતી. આ પછી તે જગ્યાએ કથિત રીતે બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ મળ્યા બાદ યુસુફ પઠાણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ પહેલાં 8 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પઠાણનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, જમીન આપવાનો ફક્ત સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ છે. જમીનનું એલોટમેન્ટ થયું જ નથી તો જમીન પર કબજો કેવી રીતે કર્યો? વળી તમે એકપણ રૂપિયો આપ્યો નથી. તમને કોણે કબજો આપ્યો તે અધિકારીનું નામ આપો એટલે તેની સામે તપાસનો હુકમ કરીએ. જમીન ખાલી કરો નહીંતર દંડ કરીશું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande