
અમરેલી,15 જૂન (હિ.સ.) સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ ખાતે ભક્તિ રામ બાપુની પવિત્ર ઉપસ્થિતિમાં એક સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અને અગ્રણી નેતા હીરા જોટવાએ માનવ મંદિર ખાતે દીકરીઓ માટે નિર્માણાધીન છાત્રાલય માટે રૂ. 1,51,000નું યોગદાન અર્પણ કર્યું હતું.
માનવ મંદિર આશ્રમ દ્વારા વર્ષોથી સમાજસેવા, શિક્ષણ અને માનવકલ્યાણના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને શિક્ષણ માટે યોગ્ય રહેઠાણ મળી રહે તે હેતુથી છાત્રાલયનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યમાં હીરાભાઈ જોટવાએ આપેલા યોગદાનને સૌએ વધાવી લીધું હતું.
કાર્યક્રમ દરમિયાન ભક્તિ રામ બાપુએ સમાજના સક્ષમ લોકો વધુમાં વધુ સેવા અને શિક્ષણના કાર્યોમાં જોડાય તેવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે કરવામાં આવતું દરેક યોગદાન સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટેનું રોકાણ છે.
આ પ્રસંગે આશ્રમના આગેવાનો, સેવાભાવી દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. હીરા જોટવાના આ સહયોગથી છાત્રાલયના નિર્માણ કાર્યને વધુ વેગ મળશે અને અનેક દીકરીઓને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai