
સુરત, 15 જૂન (હિ.સ.) : સુરતના ચોકબજાર વિસ્તારની રહેમતનગર સોસાયટીમાં એક ચોંકાવનારો હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. પતિ સાથે સતત થતા ઝઘડા અને ઘરેલુ વિવાદોથી કંટાળેલી મહિલાએ પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવાની ઈચ્છામાં આ ભયાનક કાવતરું ઘડ્યું હતું.
તપાસ મુજબ, ઘટનાની રાત્રે પતિ ઊંઘમાં હતો ત્યારે પત્નીએ પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. બંનેએ મળીને પતિને બિલ્ડિંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે ગંભીર રીતે ઘાયલ થયેલો પતિ હજુ જીવતો હોવાનું જાણ થતાં આરોપીઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ પ્રેમીએ તીક્ષ્ણ બ્લેડ વડે ગળા પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.
હત્યાને અકસ્માત તરીકે દર્શાવવા માટે પત્નીએ પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. પૂછપરછ દરમિયાન પત્ની ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે