રાજુલા બસ સ્ટેશનમાં પર્સ ચોરી કરતી પતિ-પત્ની ઝડપાયા: સીસીટીવીથી કલાકોમાં ભેદ ઉકેલાયો, ₹1.34 લાખનો મુદ્દામાલ કબ્જે
અમરેલી, 15 જૂન (હિ.સ.) : રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોની ભીડનો લાભ લઈને પર્સ અને કિંમતી વસ્તુઓની ચોરી કરતી પતિ-પત્નીની બેલડીને રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી છે. “ઇગલ આઈ પ્રોજેક્ટ” હેઠળ સ્થાપિત CCTV કેમેરાની મદદથી પોલીસે આ ચોરીનો ભે
રાજુલા બસ સ્ટેશનમાં પર્સ ચોરી કરતી પતિ-પત્નીની બેલડી ઝડપાઈ, CCTVથી કલાકોમાં ભેદ ઉકેલાયો; ₹1.34 લાખનો મુદ્દામાલ કબ્જે


અમરેલી, 15 જૂન (હિ.સ.) : રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોની ભીડનો લાભ લઈને પર્સ અને કિંમતી વસ્તુઓની ચોરી કરતી પતિ-પત્નીની બેલડીને રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી છે. “ઇગલ આઈ પ્રોજેક્ટ” હેઠળ સ્થાપિત CCTV કેમેરાની મદદથી પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી કુલ ₹1,34,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 7 જૂન 2026ના રોજ રાજુલા બસ સ્ટેશન ખાતે કોડીનાર-વડોદરા રૂટની બસમાં ચડતી એક મહિલાની થેલીમાંથી અજાણ્યા શખ્સોએ 14.920 ગ્રામ વજનનો સોનાનો ચેઇન, દિલ આકારનું સોનાનું પેન્ડલ તથા રોકડ રકમ મળી કુલ ₹1.05 લાખનો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો. બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયા અને પી.આઈ. વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બસ સ્ટેશન અને આસપાસના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલની ઓળખ થતાં તેના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.

પોલીસે મારૂતિધામ પાછળ પથ્થરની ખાણ તરફ જતા રસ્તા પરથી શંભુભાઈ ભગાભાઈ પરમાર (ઉ.વ. 21) અને ગૌરીબેન ઉર્ફે દકુ શંભુભાઈ પરમાર (ઉ.વ. 26)ને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ ભીડનો લાભ લઈને મહિલાઓના પર્સ અને દાગીનાની ચોરી કરવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ₹1,00,800નો સોનાનો ચેઇન, ₹3,000નું પેન્ડલ, ₹800 રોકડા અને ₹30,000 કિંમતની હીરો હોન્ડા મોટરસાયકલ સહિત કુલ ₹1,34,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઉના સહિત અન્ય બસ સ્ટેશન વિસ્તારોમાં પણ આવી ચોરીઓ કરી ચૂક્યા છે. રાજુલા પોલીસની ઝડપી કામગીરી અને CCTV આધારિત તપાસથી મિલ્કત સંબંધિત ગુનાનો સફળ ભેદ ઉકેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande