ગળપાદરની બાવળિયાં ઝાડીઓમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, તસ્કરો કાર મૂકી ફરાર
- પૂર્વ કચ્છ એલસીબીની ત્રાટકતી કાર્યવાહી, 7.77 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. કચ્છ, 15 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર અને હેરફેર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (
પ્રોહીબિશન ના ક્વોલિટી કેસ શોધાયો


- પૂર્વ કચ્છ એલસીબીની ત્રાટકતી કાર્યવાહી, 7.77 લાખથી વધુનો મુદ્દામાલ કબજે.

કચ્છ, 15 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર અને હેરફેર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ગાંધીધામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગળપાદર ગામ પાસેના વિસ્તારમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, દારૂની હેરફેરમાં સંડોવાયેલા શખ્સો પોલીસ પહોંચે તે પહેલાં જ સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને નાથવા માટે વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં ટીમ ગળપાદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સિયાઝ કાર ગુરુકુલ સોસાયટી પાછળના બાવળિયાં વિસ્તારમાં લઈ જવામાં આવી છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. ઝાડીઓ વચ્ચે ઉભેલી સિયાઝ કાર મળી આવી હતી, પરંતુ તેમાં કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર મળી આવી નહોતી. કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસ દરમિયાન કારમાંથી જોની વોકર રેડ લેબલ સ્કોચ વ્હિસ્કીની 131 બોટલ, એબ્સોલ્યુટ વોડકાની 90 બોટલ અને બેલેન્ટાઇન સ્કોચ વ્હિસ્કીની 90 બોટલ મળી આવી હતી. વિદેશી દારૂની કુલ 251 બોટલોની કિંમત આશરે રૂ. 3.79 લાખ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી સિયાઝ કારની કિંમત રૂ. 4 લાખ ગણવામાં આવી છે. આમ કુલ રૂ. 7.77 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ મામલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કારના ચાલક, દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર સહિતના અજાણ્યા આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

પોલીસનું માનવું છે કે આ જથ્થો જિલ્લામાં ગેરકાયદે વેચાણ માટે લાવવામાં આવ્યો હોઈ શકે છે. ફરાર આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande