




કચ્છ, 15 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. આધુનિક ટેક્નોલોજી અને CEIR (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલની મદદથી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કુલ નવ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. મોબાઇલ પરત મળતા નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પોલીસની કામગીરીને પણ વ્યાપક પ્રશંસા મળી રહી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલી મિલકતોને શોધી તેના હકદાર સુધી પહોંચાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મોબાઇલ ગુમ થયાની વિવિધ અરજીઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઇલ ફોનના ટેક્નિકલ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. સતત મોનિટરિંગ અને સર્વેલન્સના આધારે અલગ-અલગ કંપનીઓના કુલ નવ મોબાઇલ ફોન શોધવામાં સફળતા મળી હતી. શોધી કાઢવામાં આવેલા મોબાઇલમાં ઓપ્પો, વિવો, સેમસંગ, વનપ્લસ અને રિયલમી જેવી જાણીતી કંપનીઓના હેન્ડસેટનો સમાવેશ થાય છે. આ તમામ મોબાઇલની અંદાજિત કુલ કિંમત રૂ. 2.00 લાખથી વધુ હોવાનું જાણવા મળે છે.
મોબાઇલ ફોન શોધી કાઢ્યા બાદ પોલીસ દ્વારા સંબંધિત માલિકોનો સંપર્ક કરી જરૂરી ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ મોબાઇલ તેમના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યા હતા. લાંબા સમયથી ગુમ થયેલા ફોન પરત મળતા માલિકોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી અને ગાંધીધામ પોલીસનો આભાર માન્યો હતો.
આ સમગ્ર કામગીરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પણ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત ગુમ થયેલી મિલકતો શોધી તેના મૂળ માલિકોને પરત સોંપવાની કામગીરી સતત ચાલુ રહેશે.
પોલીસની આ કામગીરી માત્ર ગુમ થયેલી મિલકત પરત અપાવવાની જ નહીં પરંતુ જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar