


- એક સંકલ્પ સમૃધ્ધિ,સુરક્ષા ,શિક્ષીત સમાજ,તંદુરસ્ત સમાજ અને લીડરશીપ એવમ એક્તા કી ઓરના હેતુ
- યુવા સંગઠન,જીપીબીઓ ,ટ્રસ્ટીઓ અને અધિકારી વર્ગ વચ્ચે થયેલ ચિંતન મનનથી દિશા સૂચક નિર્ણયો આવ્યા
ભરૂચ,15 જૂન (હિ.સ.) સમાજ સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવા શક્તિની ભૂમિકાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સરદારધામ’ દ્વારા એક વિશેષ ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ પહેલ દ્વારા સરદારધામે રાષ્ટ્રના યુવાધનને માત્ર સહભાગી જ નહીં, પરંતુ ભવિષ્યના સકારાત્મક પરિવર્તનના મુખ્ય સારથિ અને સક્રિય ભાગીદાર તરીકે જોડવામાં મોટી સફળતા મેળવી છે. આ શિબિરના માધ્યમથી સરદારધામના વર્ષ 2047ના મહત્વાકાંક્ષી રોડમેપમાં રાષ્ટ્રના યુવાનોની સક્રિય સહભાગિતાને પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો પર ચાલતી સરદારધામ સંસ્થા દ્વારા તેના 10 વર્ષના રોડમેપ મિશન-2026ની પરિણામલક્ષી અભુતપુર્વ સફળતા બાદ આગામી 20 વર્ષનો રોડમેપ નક્કી કરવા મિશન-2047 અંતર્ગત બે દિવસીય યુવા ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદારધામ હંમેશાં યુવાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે ત્યારે યુવાશક્તિના વિચારો, અપેક્ષાઓ, પડકારો અને ભવિષ્ય માટેના વિઝનને નજીકથી સમજવાના હેતુથી આ બે દિવસીય યુવા ચિંતન શિબીરનું આયોજન સરદારધામ અમદાવાદ ખાતે કરાયું હતું.
યુવા ચિંતન શિબીરમાં સેશન-1 માં એક સંકલ્પ સમૃધ્ધિ કી ઓર, સેશન-2માં એક સંકલ્પ સુરક્ષા કી ઓર અને સેશન-3માં એક સંકલ્પ શિક્ષીત સમાજ કી ઓર મુખ્ય વિષયો પર ચિંતન કરવામાં આવ્યું હતું. ચિંતન શિબીરના પ્રથમ દિવસે રાત્રે દિવસના મનન - મંથન બાદ યુવાનોના મનોરંજન માટે સુરમયી સાંજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનોએ સંગીત સાથે આધ્યાત્મિક અને ધાર્મિક આનંદ મેળવ્યો હતો.
શિબીરના બીજા દિવસે યોજાયેલા સેશન-4માં “એક સંકલ્પ - તંદુરસ્ત સમાજ કી ઓર” વિષય હેઠળ કુદરતી જીવનશૈલી, યંગ ઇન્ડિયા - ફીટ ઇન્ડિયા - હીટ ઇન્ડિયા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને ચિંતન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેશન-5માં એક સંકલ્પ - લીડરશીપ એવમ એક્તા કી ઓર વિષય અંતર્ગત સમાજ જોડો અભિયાન અને પંચાયત સે પાર્લામેન્ટ જેવા વિષયો પર યુવાનો દ્વારા પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ચિંતન શિબીરના દરેક સેશનના અંતે બે ગૃપ લીડરો દ્વારા સેશનમાં થયેલ ચિંતનનું આખરી નિષ્કર્શ રજુ કરવામાં આવ્યું હતું. ચિંતન શિબીરના સમાપન સેશનમાં બે દિવસીય ચિંતન શિબીરના તારણો રજૂ કરી ઠરાવો કરવામાં આવ્યા હતા.
આ બે દિવસીય ચિંતન શિબીર દરમિયાન વિવિધ વિષયો પર યુવાનો સાથે ખુલ્લીને ચર્ચા અને વિચારમંથન યોજાયું હતું. એ સાથે જ આ અગત્યના સેશનોમાં યુવાનોને વિકસિત ભારત, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, ડિજિટલ ઇન્ડિયા અને રાષ્ટ્ર નિર્માણમાં તથા સામાજિક જવાબદારીઓમાં યુવાનોની ભૂમિકા શું હોઇ શકે તેના જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિચાર-વિમર્શ કરવાની તક મળી હતી. આ પહેલ દ્વારા સરદારધામે યુવાઓને માત્ર સહભાગી નહીં પરંતુ પરિવર્તનના સક્રિય ભાગીદાર તરીકે જોડીને સરદારધામના વર્ષ 2047ના રોડમેપમાં તેમની સક્રિય સહભાગિતા સુનિશ્ચિત કરી હતી. આ ચિંતન શિબીરનો મુખ્ય ઉદ્દેશ યુવા શક્તિમાં સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટેની ભાવના ઉજાગર કરવાનો હતો. પોતાના વિચારો, સૂચનો તથા અભિપ્રાયો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સમગ્ર ચિંતન શિબીરનું આયોજન યુવા સંગઠન તથા જીપીબીઓના હોદ્દેદારો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ