
સુરત, 15 જૂન (હિ.સ.) : સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સીમાડા રોડ પર આવેલી સનલાઈટ હોટલમાં દરોડો પાડતાં મોટા પાયે દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું હતું. સરથાણા પોલીસ સ્ટેશનથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલી આ હોટલમાંથી થાઈલેન્ડની 8 અને ભારતની 2 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે હોટલ માલિક રોશન માવાણી અને રેકેટના સંચાલક પ્રિન્સ ભંડેરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન પોલીસે હોટલના વિવિધ રૂમોમાંથી વિદેશી યુવતીઓ મળી આવી હતી. પાસપોર્ટ ચકાસણીમાં તેઓ થાઈલેન્ડથી સુરત આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી મોટી સંખ્યામાં કોન્ડમના પેકેટો, રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ ગ્રાહકોની વિગતો ધરાવતો રજિસ્ટર પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રાહકો પાસેથી પ્રતિ મુલાકાત રૂ. 2,500 વસૂલવામાં આવતા હતા, જેમાંથી મહિલાઓને નિશ્ચિત હિસ્સો આપવામાં આવતો અને બાકીની રકમ આરોપીઓ કમિશન તરીકે રાખતા હતા. વિદેશી યુવતીઓને મગદલ્લા વિસ્તારમાંથી હોટલ સુધી લાવવા-મૂકવાની વ્યવસ્થા પણ સંચાલક દ્વારા કરવામાં આવતી હતી. પોલીસે કુલ રૂ. 39,500નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે