
અમરેલી, 15 જૂન (હિ.સ.) : સાવરકુંડલા શહેરના વોર્ડ નં. 3 વિસ્તારમાં આવેલી પીપરવાડીમાં છેલ્લા 45 વર્ષથી નાગરિકો માટે ગંભીર સમસ્યા બનેલી ગટર વ્યવસ્થાના કાયમી નિરાકરણ માટે નવી ગટર લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, નગરજનો અને વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પીપરવાડી વિસ્તારમાં વર્ષોથી ગટર ઓવરફ્લો, ગંદા પાણીના ભરાવા, દુર્ગંધ અને અસ્વચ્છતાના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બનતી હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા લાંબા સમયથી આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી હતી.
ધારાસભ્ય મહેશ કસવાળાએ સ્થળ મુલાકાત લઈ નવી ગટર લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું અને જણાવ્યું કે નાગરિકોની પાયાની સુવિધાઓને મજબૂત બનાવવી તેમની પ્રાથમિકતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કામ પૂર્ણ થયા બાદ પીપરવાડીના રહેવાસીઓને વર્ષો જૂની સમસ્યામાંથી રાહત મળશે.
નવી ગટર લાઇન કાર્યરત બનતા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે, જેના કારણે વિસ્તારની સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સ્થિતિમાં સુધારો થશે. સ્થાનિક લોકોએ પણ આ કામગીરીને આવકારીને વર્ષો જૂની સમસ્યાના ઉકેલ બદલ ખુશી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai