
ભાવનગર, 15 જૂન (હિ.સ.) : ભાવનગર ખાતે આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે બોરતળાવ ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ (ASG) ભાવનગરના CISF કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રકૃતિના રમણીય અને શાંત વાતાવરણ વચ્ચે યોજાયેલા આ યોગ સત્રમાં પ્રશિક્ષિત યોગ શિક્ષકે સહભાગીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન તથા શ્વાસોચ્છવાસની કસરતો કરાવી હતી. યોગના માધ્યમથી શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન કેવી રીતે જાળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ ભાવનગરના સહાયક કમાન્ડન્ટ મહેશ સિંહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળના કર્મચારીઓ માટે શારીરિક ક્ષમતા અને માનસિક મજબૂતી અત્યંત જરૂરી છે. યોગ માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ મજબૂત બનાવે છે અને તણાવમુક્ત જીવન જીવવામાં મદદરૂપ બને છે.
કાર્યક્રમ દરમિયાન પ્રશિક્ષકે યોગના નિયમિત અભ્યાસથી એકાગ્રતા, લવચીકતા, કાર્યક્ષમતા અને આરોગ્યમાં થનારા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. સાથે જ દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સત્ર દરમિયાન CISF કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યોગના લાભો અંગે જાગૃતિ ફેલાવવાનો અને સ્વસ્થ તથા શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવાનો હતો.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ નિયમિત યોગાભ્યાસ કરવાની તેમજ પોતાના પરિવાર અને સમાજમાં યોગના મહત્વનો પ્રચાર-પ્રસાર કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ યોગ સત્રે સ્વાસ્થ્ય, સુખાકારી અને સામાજિક જાગૃતિનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA