મહાદેવ સટ્ટા એપ મામલે ઈડીએ આરોપિત વિકાસ ગર્ગની 940 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી
રાયપુર, નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) મહાદેવ સટ્ટા એપ મામલે પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ, મોટી કાર્યવાહી કરતાં આરોપિત વિકાસ ગર્ગ અને તેમના પરિવારજનોના સ્વામિત્વ અને નિયંત્રણ હેઠળની સંસ્થાઓની ચલ-અચલ સંપત્તિઓ જપ્ત કરી છે. સંપત્તિઓની કુલ કિંમત લગભગ 940.77
પ્રવર્તન નિદેશાલય (ઈડી)


રાયપુર, નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) મહાદેવ સટ્ટા એપ મામલે પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ, મોટી કાર્યવાહી કરતાં આરોપિત વિકાસ ગર્ગ અને તેમના પરિવારજનોના સ્વામિત્વ અને નિયંત્રણ હેઠળની સંસ્થાઓની ચલ-અચલ સંપત્તિઓ જપ્ત કરી છે. સંપત્તિઓની કુલ કિંમત લગભગ 940.77 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ઈડીના રાયપુર ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ), 2002ના પ્રાવધાનો હેઠળ આ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં રહેણાંક મિલકતો, જમીનના ટુકડા, ઇક્વિટી શેર અને અન્ય સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે.

ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે, છત્તીસગઢ (દુર્ગ) પોલીસ ઉપરાંત આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ પોલીસ અને અન્ય રાજ્યોની પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદે ઑનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મના ઓપરેટરો, પ્રમોટરો અને સહયોગીઓ પર ફોજદારી ષડયંત્ર, છેતરપિંડી અને જાળસાજીના આરોપ લગાવવામાં આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે, સટ્ટાબાજી સિન્ડિકેટ વિદેશથી સંચાલિત ફ્રેન્ચાઇઝી આધારિત ‘પેનલ’ નેટવર્ક મારફતે કામ કરતું હતું અને ગેરકાયદે સટ્ટાબાજી દ્વારા દર મહિને 450 કરોડ રૂપિયાથી વધુની ‘અપરાધથી પ્રાપ્ત આવક’ કમાઈ રહ્યું હતું.

તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, મહાદેવ ઑનલાઇન બુક અને સ્કાઈએક્સચેન્જના ગેરકાયદે સટ્ટાબાજી કાર્યોમાંથી થયેલી ‘અપરાધથી પ્રાપ્ત આવક’ને ‘અકોમોડેશન એન્ટ્રીઝ’ (કાગળ પરના વ્યવહારો)ના અનેક સ્તરોવાળા માળખા મારફતે લોન્ડર કરવામાં આવી હતી. આ માટે શેલ કંપનીઓ (ફરજી કંપનીઓ)ના જાળ અને અન્ય જટિલ વ્યવહારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી ગેરકાયદે નાણાંને કાયદેસર બતાવી શકાય.

તપાસમાં જાણવા મળ્યું કે મહાદેવ ઑનલાઇન બુક/સ્કાઈએક્સચેન્જ સટ્ટાબાજી કાર્યોમાંથી થયેલી લગભગ 940.77 કરોડ રૂપિયાની આવક આ જ રીતે વિકાસ ગર્ગના સ્વામિત્વ અને નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં મોકલવામાં આવી હતી. આ ફંડ્સને અનેક સંસ્થાઓ મારફતે ફેરવવામાં આવ્યા અને તેનો ઉપયોગ શેર, સિક્યોરિટીઝ અને અન્ય સંપત્તિઓ ખરીદવા જેવા કામોમાં કરવામાં આવ્યો. હાલ તપાસ ચાલુ છે.

આ પહેલાં આ મામલે સાત ‘પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર’ જારી કરવામાં આવી ચૂક્યા છે અને વિશેષ અદાલત (પીએમએલએ), રાયપુર સમક્ષ અભિયોજન ફરિયાદો (જેમા પૂરક અભિયોજન ફરિયાદો પણ સામેલ છે) દાખલ કરવામાં આવી છે. અદાલતે મની લોન્ડરિંગના ગુનાનો સંજ્ઞાન લીધો છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે અગાઉ પણ લગભગ 2,825 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિઓ, જેમાં વિદેશી સંપત્તિઓ પણ સામેલ છે, જપ્ત કરવામાં આવી ચૂકી છે. હાલની એટેચમેન્ટ સાથે, આ મામલે જપ્ત કરાયેલી સંપત્તિઓની કુલ કિંમત લગભગ 3,800 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / ચન્દ્ર નારાયણ શુક્લ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande