
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) હવે બજારમાં વધુ આલ્કોહોલવાળી દવાઓ લાઇસન્સ અને ડૉક્ટરની પર્ચી વિના ઉપલબ્ધ નહીં હોય. કેન્દ્ર સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારો કરીને વધુ માત્રામાં આલ્કોહોલ (ઇથાઇલ આલ્કોહોલ) ધરાવતી દવાઓના વેચાણ અને વિતરણ પર કડક નિયમો લાગુ કર્યા છે. તેના હેઠળ હવે 12 ટકાથી વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી અને 30 મિ.લી.થી વધુ માત્રાની તમામ દવા તૈયારીઓને અગાઉની જેમ શેડ્યૂલના હેઠળ છૂટ મળશે નહીં. એટલે કે હવે આ દવાઓના ઉત્પાદન અને વેચાણ માટે લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે.
સરકારે આ દવાઓને શેડ્યૂલ એચ 1માં સામેલ કરી છે. તેનો અર્થ એ છે કે, હવે આ દવાઓ માત્ર નોંધાયેલા ડૉક્ટરની પર્ચી પર જ વેચી શકાશે. મેડિકલ સ્ટોરોને તેના વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખવો પડશે. આ પગલાનો હેતુ આવી દવાઓના ખોટા ઉપયોગને રોકવો અને જાહેર આરોગ્યની વધુ સારી સુરક્ષા કરવી છે.
આરોગ્ય મંત્રાલયની આજે જારી કરાયેલી સૂચના અનુસાર, એલચી, આદુ અને અન્ય સુગંધિત ટિન્ક્ચર જેવી કેટલીક ઔષધીય તૈયારીઓમાં 80–90 ટકા સુધી ઇથાઇલ આલ્કોહોલ જોવા મળે છે. તેને દવા બદલે નશા માટે ઉપયોગમાં લેવાતા હોવાની ફરિયાદો અનેક રાજ્યોમાંથી મળી હતી. આને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, નવા નિયમો હેઠળ આવી દવાઓનું વેચાણ માત્ર અધિકૃત દવા પુરવઠા પ્રણાલી મારફતે જ થશે. આથી તેના દુરુપયોગ પર અંકુશ લાગશે, જ્યારે વાસ્તવિક દર્દીઓને જરૂર મુજબ દવાઓ અગાઉની જેમ ઉપલબ્ધ થતી રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ